તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય એ પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાત પર લો-પ્રેશરની અસર
ગત સપ્તાહે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી, એના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. એ બાદ તે આંધ્ર પ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે, અને એની અસર આજથી ગુજરાત પર જોવા મળી રહી છે.
સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. આ વર્ષે પણ આ બે મહિનામાં જ સૌથી વધારે વરસાદ થયો છે. જોકે, બંગાળની ખાડી સતત સક્રીય હોવાને કારણે અને એમાં એક બાદ એક સર્જાઈ રહેલા લૉ-પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
7 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શક્યતા
હાલ પણ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ડીપ્રેશનની અસરને કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. નોંધનીય છે કે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે. જે બાદ લગભગ 7 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ડિપ્રેશનની અસર થશે અને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ..
2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો અને છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ વખતના લૉ-પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રીજન પર થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખીનીય છે કે આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ તથા કેટલીક જગ્યાએ થોડા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.