યુકેમાં ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટનું લોન્ચિંગ

ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ કેમ્પસના બે મેગા પ્રોજેકટ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) અને વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયલિટી ચારુસેટ હોસ્પિટલ વિશે યુકેમાં વસતા ભારતીય ડાયાસ્પોરાને માહિતગાર કરવાના હેતુથી તારીખ 16 જુલાઈ, 2022એ યુકેમાં મિડલસેક્સ, હેરોમાં સત્તાવીસ પાટીદાર સેન્ટરમાં ચારુસેટ એજયુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)નો ભવ્ય લોન્ચિંગ સમારંભ યોજવામાં આવ્યો હતો. 

સમાજના દરેક વર્ગને શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓ આપવાના ઉમદા હેતુથી યુકેમાં CEHTની સ્થાપના કરવામાં આવી છે. CEHTની સ્થાપનાનો હેતુ CEHT અને ચારુસેટ સંલગ્ન સંસ્થાઓના જોડાણ વિશે NAAC દ્વારા ‘A+’ ગ્રેડથી પ્રમાણિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ઓફર કરાતાં વિવિધ શૈક્ષણિક કાર્યકમો વિશે, ચારુસેટ હોસ્પિટલ દ્વારા વાજબી દરે સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વિશે યુકેમાં વસતા ભારતીય સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો. જયેશ વી. પટેલ ( પી.ઝેડ. પટેલ ચાંગાના પૌત્ર) અને પર્સનલ ડેવલપર-મોટિવેટર અનિલ કુમાર (FCA)  ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચિંગ કાર્યક્રમ અને ફંડ રેઇઝિંગ ઇવેન્ટમાં ભારતમાંથી ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ, કેળવણી મંડળના ટ્રસ્ટી, ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય અને અમેરિકાસ્થિત ઉદ્યોગપતિ વીરેન્દ્રભાઈ પટેલ અને ચારુસેટ હોસ્પિટલનાં COO ડો. ઉમાબહેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રાસંગિક પ્રવચનોમાં ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ વિશે વિગતવાર માહિતી આપી હતી.  ત્યાર બાદ CEHT દ્વારા ચેરિટી અને વેબસાઇટનું સોફ્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

હાલમાં CEHT-UKના ચેરમેન તરીકે વિખ્યાત હોટેલિયર અને દાતા કિરીટભાઇ રામભાઈ પટેલ છે.આ ટ્રસ્ટને કિરીટભાઇ એન. પટેલ (ચાંગા/ યુ. કે.)નાં બહેન ઇન્દિરાબહેન (યુકે) દ્વારા 50,000 પાઉન્ડનું દાન આપવામાં આવ્યું છે. અમેરિકામાં ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલનો પ્રચાર-પ્રસાર કરવા માટે ચારુસેટ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ઇન્ક.ની આઠ વર્ષ અગાઉ સ્થાપના કરવામાં આવી છે, જેનું સંચાલન વીરેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે.