ગણપત યુનિ.માં વિદ્યાર્થીઓ માટે લેમ્પ-લાઇટિંગ, પ્રતિજ્ઞા-પ્રસંગ ઊજવાયો

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીના કુમુદ અને ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે લેમ્પ-લાઇટિંગ અને પ્રતિજ્ઞાનો પ્રસંગ તાજેતરમાં ઊજવવામાં આવ્યો હતો. નર્સિંગનો વ્યવસાય એક માનવ સેવાનું ઉમદા કાર્ય છે. જેથી નર્સિંગ શાખાના વિદ્યાર્થીઓ જ્યારે નર્સિંગનો અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેઓ એની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાનો સંકલ્પ કરે છે અને એ સંકલ્પ કારકિર્દી દરમ્યાન જાળવી રાખવા સાથે કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર એની નૈતિક જવાબદારી સ્વીકારે છે.

ગણપત યુનિવર્સિટીના પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના દાતાઓ શ્રીમતી કુમુદબહેન અને ભૂપેશભાઈ પરીખ અને સંસ્થાના ટ્રસ્ટી ડો. શ્રીમતી ગિરિબાળાબહેન પટેલ અમેરિકાથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે વિશેષ મહેમાન ગ્લેન્ડેલ કોમ્યુનિટી કોલેજના હેલ્થ સાયન્સ ડિપાર્ટ.ના એસોસિયેટેડ ડીન એમ્લિન જજ (કેલિફોર્નિયા, અમેરિકા), કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ (નર્સિંગ), ડો. રથી બાલાચંદ્રન, મણિપાલની કસ્તુરબા હોસ્પિટલના નર્સિંગ સર્વિસિસનાં વડાં ડો. સુબા સુરિયા અને યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ  પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, પ્રો. વાઇસ ચાન્સેલર ડો. આર. કે. પટેલ, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડો. અમિત પટેલ અને યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વડા ડો. કરપાગવલી નાગેશ્વરન સહિત અનેક પ્રોફેસરો, લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગણપત યુનિવર્સિટીના હેલ્થકેર પ્રોજેક્ટના ચેર પર્સન અને બોર્ડ મેનેજર ડો. ગિરિબાળાબહેન પટેલે અને ગેસ્ટ ઓફ ઓનર ડો. રથી બાલાચંદ્રને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે આ લેમ્પ-લાઇટિંગ અને પ્રતિજ્ઞા લેવાનું શું મહત્વ હોય છે એ વિશે જણાવ્યું હતું.