મુંબઈ, 01 ડિસેમ્બર, 2021: ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલા ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રુપ લાર્સન એન્ડ ટૂબ્રોએ સુરતના હઝિરામાં એની ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ.એમ. નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’ કરીને એના ચેરમેન એ.એમ. નાયકનું સન્માન કર્યું છે.
આ અંગે એલએન્ડટીના સીઇઓ અને એમડી એસ.એન. સુબ્રહમણ્યને કહ્યું કે, “એલએન્ડટીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સર્વાનુમતે ચેરમેન એ.એમ. નાયકની ભૂમિકાને બિરદાવવાનો નિર્ણય કર્યો છે, જેમણે કંપનીને પરિવર્તિત કરીને નવી ઊંચાઈએ પહોંચાડી છે અને ખાસ કરીને સુરત નજીક હઝિરામાં મોટી સુવિધા સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. એટલે અમે હઝિરામાં ગ્રુપની ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ.એમ. નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’ કરવાનો નિર્ણય લીધો છે.”
આ માટે આજે એલએન્ડટીના વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં સુવિધા ખાતે એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયકે કહ્યું હતું કે, “કંપનીની લીડરશિપ ટીમની આ ચેષ્ટા મને સ્પર્શી ગઈ છે. મારું માનવું છે કે, ભેજવાળી કે કળણવાળી જમીનને એક સંકુલમાં પરિવર્તિત કરવાના પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સને દેશના ગૌરવ તરીકે ગણી શકાય છે. હઝિરા એ વાતનો પુરાવો છે કે, એલએન્ડટી અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો માટે ઉપકરણનું ઉત્પાદન કરશે અને ભારતને સતત ગર્વ થાય એવા સીમાચિન્હો સર કરશે.”
ત્રણ દાયકા અગાઉ તાપી નદીના મુખ નજીક એક સ્થળ પર પોચી, કળણવાળી પડતર જમીન હતી, જે સામાન્ય રીતે ભરતીમાં પાણીમાં ડૂબી જતી હતી. એ સમયે એલએન્ડટીના હેવી એન્જિનીયરિંગ અને ઇપીસી પ્રોજેક્ટ બિઝનેસનું સુકાન સંભાળતા નાયકે આ પડતર જમીનમાં એક વિશાળ કોમ્પ્લેક્સની કલ્પના કરી હતી, જે કંપનીના વિશાળ અને જટિલ રિએક્ટર્સ અને પ્રેશર વેસલ્સનું નિર્માણ કરવાની લાંબા ગાળાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું હતું. નાયકે એક પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું, જેના પગલે આ સુવિધાનું એકથી વધારે તબક્કામાં વિસ્તરણ થયું છે, જેમાં મોડ્યુલર ફેબ્રિકેશન યાર્ડ અને પાવર પ્લાન્ટ માટે અતિ મહત્વપૂર્ણ ઉપકરણ, ન્યૂક્લીઅર ફોર્જિંગ્સ અને વિશિષ્ટ આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સનું ઉત્પાદન થાય છે. 1.6 કિલોમીટર લાંબા પાણીના કિનારા સાથે 750 એકરમાં પથરાયેલી આ સુવિધા અમેરિકા, કેનેડા અને ફ્રાંસ સહિત દુનિયાભરમાં વિવિધ દેશોને અદ્યતન અને મોટા ઉપકરણની નિકાસ કરે છે.
આ તમામ વર્ષોમાં હઝિરાએ વિવિધ આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કર્યા છે, જેમાં કેટલીક રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ માટે દુનિયાનાં કેટલાંક મોટાં રિએક્ટર્સ, ઓએનજીસી માટે ઓઇલ અને ગેસ પ્લેટફોર્મ તથા સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. સંરક્ષણ ઉપકરણ કાર્યક્રમમાં ‘હોવિત્ઝર્સ – કે9 વજ્ર’નું ઉત્પાદન મુખ્ય હતું, જેને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે. એલએન્ડટીની અન્ય મુખ્ય ઉત્પાદન સુવિધાઓ ઉપરાંત એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ પ્રક્રિયામાં સતત સુધારો કરી રહ્યું છે તથા સચોટતા અને સ્પીડ વધારવા ઓટોમેશન અને રોબોટિક્સનો સામેલ કરે છે. એલએન્ડટી જૂથ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે.