બોલ માડી અંબે જય..જય..અંબેના નારા સાથે ગુજરાતના રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી મા આદ્યશક્તિ અંબાજી માતાજીનો પવિત્ર મેળો ભરાય છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશથી પણ ભાવિકો માતાના ચરણે ધજા અર્પમ કરવા આવે છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીનાં દર્શન કરવા જાય છે. ત્યારે જાણીએ ભાદરવી પૂનમના મેળાની સમગ્ર વ્યવસ્થા વિશે..
દર્શનના સમયમાં કરાયો વધારો
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં આવતા ભક્તોને માતાજીનાં દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ન થાય એ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરનાં દર્શન સમયમાં વધારો કરાયો છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરે સુધી માઈ ભક્તો સવારે 6:00 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી માતાજીનાં દર્શન કરી શકશે.
ગુજરાત એસટી દ્ધારા એક્સ્ટ્રા બસ દોડાવાશે
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળામાં બહારગામથી આવતા મુસાફરોને અગવડ ન પડે એ માટે એસ.ટી.ના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી અંબાજી ખાતે 10 હંગામી બૂથો ઊભા કરી કુલ 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષે તા.12/09/2024 થી 18/09/2024 દરમિયાન યોજાવાનો છે.
પ્રસાદ માટે જુદા-જુદા વેચાણ પોઈન્ટ
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે. જે મંદિર ઉપરાંત અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે.
1500થી વધુ સંઘનું રજિસ્ટ્રેશન પૂર્ણ
અંબાજી જતાં પદયાત્રી પૂનમિયા સેવા સંઘોને ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, ભાદરવી પૂનમ મહામેળો 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી આયોજિત મેળા માટે પદયાત્રી સંઘોનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી 1500થી વધુ સંઘોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. ઓનલાઇન રજૂ થયેલા ફક્ત સંઘના રસોડાના સીધું-સામાન લઈ લીધા ઓનલાઇન ફોર્મમાં દર્શાવેલા વાહનમાંથી ફક્ત એક જ વાહનને પ્રવેશ આપવામાં આવશે. વાહન પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પ્રવેશ મળશે નહીં, રસોડા સાથેના સંઘોને વધુમાં વધુ ચાર વાહનો માટે પાસ આપવામાં આવશે.
એક ક્લિક કરી મેળવો મેળાની સંપૂર્ણ માહિતી
મેળામાં યાત્રાળુઓને સુવિધાઓ મળી રહે એ માટે એક માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં આપેલા ક્યુઆર કોડને સ્કેન કરવાથી તમે તમારા મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ સુવિધા મેળાના પ્રથમ દિવસ એટલે કે 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યાં છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગૂગલ મેપ દ્વારા કોઈપણ વ્યક્તિ એના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે.
‘યાત્રિક સુવિધા માર્ગદર્શિકા’ બ્રોશર
ભાદરવી પૂનમના મેળા સંબંધિત ‘યાત્રિક સુવિધા માર્ગદર્શિકા’ બ્રોસર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટવાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઇન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સૂચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબધિત સેવાઓ, સુરક્ષા સલામતી વિષયક માહિતી, વિસામો, ટોઇલેટ, પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાનાં વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે.
તો હવે આ સંર્પુણ માહિતી સાથે મા આદ્યાશક્તિના દર્શન માટે અંબાજી ધામ જઈને ભક્તિમાં લીન થવાનો સમય આવી ગયો છે. હવે ભાવિકોને ભદરવી પૂનમના મેળામાં કોઈ અડચણ નહીં નડે.