સાહિત્ય અકાદમી, કલાગુર્જરીના ઉપક્રમે “કાવ્યવૈભવ” કાર્યક્રમ યોજાશે

મુંબઈઃ સાહિત્યના શોખીનો માટે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા કલાગુર્જરીના સહયોગથી આયોજિત પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કવિ સુરેશ દલાલનાં વિવિધ કાવ્ય સંપાદનોમાંથી ચૂંટલાં કાવ્યો તથા વિવિધ કાવ્યપ્રકારોની પ્રસ્તુતિ મુકેશ જોષી દ્વારા કરવામાં આવશે.

કવિ ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ” કવિતા આત્માની માતૃભાષા છે ” . કવિતા ભાવકની સંવેદનાને સંકોરે છે, એ ભાવકને વધુ સંવેદનશીલ બનાવે છે. ગુજરાતી કવિતા પાસે ઉત્તમ રચનાઓનો પટારો છે!

છું શૂન્ય પણ એ ના ભૂલ

ઓ અસ્તિત્વના પ્રભુ

તું તો હશે કે કેમ પણ

હું તો જરૂર છું!

જેવો શૂન્ય પાલનપુરીનો શેર હોય કે …

દુનિયામાં કંઈકનો કરજદાર છું ‘મરીઝ ‘

ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે!

જેવો ‘મરીઝ’નો શેર હોય, ગુજરાતી કાવ્યસૃષ્ટિએ ભાવકના હૃદયને તરબોળ રાખ્યું છે.

આવી ઉત્તમ કાવ્ય રચનાઓ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને કલાગુર્જરી દ્વારા “કાવ્યવૈભવ” કાર્યક્રમમાં રજૂ થશે. ” આપણો સાહિત્ય -વૈભવ” શૃંખલાનો આ ત્રીજો ભાગ છે જેની પરિકલ્પના કવિ મુકેશ જોષીની છે. કવિ મુકેશ જોષી તથા કવિ સંજય પંડ્યા દ્વારા થનારી રજૂઆતને સંગીતકાર ગાયક સુરેશ જોશીના તરન્નુમનો પણ સાથ મળશે.

ગઝલ શિબિરના બે સહભાગી મિત્રો રક્ષા શાહ અને મૃદુલ શુક્લ પણ રચના રજૂ કરશે. આ જાહેર કાર્યક્રમ કલાગુર્જરી,  દશરથલાલ જોશી પુસ્તકાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે ૨૨ ઓક્ટોબર રવિવાર સાંજે છ વાગ્યે યોજાવાનો છે.