અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, ત્યારે રાજકીય પારો અત્યારથી જ ગરમ થવા લાગ્યો છે. આજે ખોડલધામમાં પાટીદાર સમાજનું સામાજિક મિલન રાખવામાં આવ્યું છે. લેઉઆ અને કડવા પાટીદારોના આગેવાનો બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં નરેશ પટેલ, દિનેશ કુંભાણી, મથુર સવાણી, લવજી બાદશાહ અને જયરામ પટેલ જેવા સંભવિત આગેવાનો હાજર રહે એવી શક્યતા છે.
બીજી બાજુ, રાજ્યમાં ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજથી ત્રણ દિવસ માટે ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ રાજ્યના પ્રવાસે છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પાટીદાર નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જળવાય તેના માટે મહત્વની ચર્ચા થશે. વર્ષ-2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા લેઉઆ-કડવા પાટીદાર સમાજનું એકમંચ પર આવવું અનેક સવાલ ઊભા કરી રહ્યું છે.
આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઇચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. આ મિટિંગમાં રાજકીય ચર્ચા પણ હશે. ખોડલધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે.
આ બેઠકમં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠકમાં અમે સરકાર તેમ જ વહીવટી તંત્ર- બંનેમાં પાટીદાર સમાજને વધુ ને વધુ સ્થાન મળે તે વિશે ચર્ચા કરીશું અને અમારા જે અધિકાર બને છે તેની ચર્ચા કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે.