જૂનાગઢમાં 1,397 મહિલા લોકરક્ષક સુરક્ષાકાર્યમાં જોડાઇ

જૂનાગઢ– જૂનાગઢ  પોલિસ તાલીમ મહાવિદ્યાલયમાં આજે મોટો અવસર હતો. જ્યારે 1397 મહિલા લોકરક્ષકોએ પોતાની પાસિંગ પરેડમાં ભાગ લીધો. રાષ્ટ્રવીર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં આઠ માસની સઘન તાલીમ બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં નવપ્રશિક્ષિત મહિલા પોલીસ લોકરક્ષકોની નિશાનદાર દીક્ષાંત પરેડનું  સલામી નિરીક્ષણ યોજાયું હતું.પોલિસ સેવામાં પદાર્પણ કરતાં આ મહિલા લોકરક્ષકોને સમાજજીવનની સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવવા અને “”પોલિસ પ્રજાનો મિત્ર”નો સંકલ્પ આત્મસાત કરવા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલિસ સેવાઓમાં સુરક્ષાની જવાબદારીઓ દિવસરાત જીવનું જોખમ, તણાવ અને વિપરીત સ્થિતિઓનો સામનો કરવા સહિતના અનેક પડકારો ઝીલવા પડતાં હોય છે.

ગુજરાતની સ્થાપના પછી પહેલીવાર એકસાથે 1397 મહિલા લોકરક્ષકની એકીસાથે પોલિસ બોર્ડ દ્વારા પસંદગી કરાઇ છે. શિસ્તબદ્ધ ચૂસ્તીસ્ફૂર્તિથી ૪૦ જેટલી, લોકરક્ષક પ્લેટુનોએ દીક્ષાંત પરેડમાં પોતાનું કૌવત અને સુરક્ષા સેનાઓની કારકિર્દીની શાન પ્રદર્શિત કરી હતી.પોલિસ તાલીમ મહાવિદ્યાલયમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તાલીમાર્થીઓને પુરસ્કાર અર્પણ કરાયાં હતાં. જેમાં આઉટડોર કક્ષાએ પ્રથમ નિરુ સોલંકી અને દ્વિતીય સ્થાન શીતલ પટેલે,  ઇનડોર પ્રથમ લલિતા દાફડા અને દ્વિતીય સ્થાને વર્ષા ખાંભુ, બિનહથિયારધારી મસ્કેટ્રીમાં પ્રથમ જયા ભેટારીયા, હથિયાર આઉટડોર બેંચમાં  હેતલ ડાંગર, અને હથિયારધારી  ઈન્ડોર વિભાગમાં નીલમ પટેલ, હથિયારધારી મસ્કેટ્રી વિભાગમાં હેતલ પટેલ, ઓલરાઉન્ડ બિનહથિયારધારી બેંચમાં વર્ષ ખાંભુ,  અને ઓલ રાઉન્ડ હથિયારધારી બેંચ-૬નાં હેતલ પારિતોષિક અર્પણ કર્યાં હતાં.જૂનાગઢ જિલ્લા માટે ગૌરવરુપ આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રશાસનિક અને પોલિસદળના ઉચ્ચ અધિકારીઓ સહિત તાલીમાર્થીઓના પરિવારજન પણ હોંશભેર ઉપસ્થિત રહ્યાં હતાં.