શનિવારે હમાસ આંતકવાદી સંગઠને ઈઝરાયેલ પર અચાનક કરેલા સશસ્ત્ર હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જેના કારણે અત્યારે સમગ્ર ઈઝરાયેલમાં લોકો વચ્ચે ડરનો માહોલ સર્જાયેલો છે. ઈઝરાયેલમાં અભ્યાસ અર્થે ગયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હાલ યુદ્ધને કારણે ફસાય ગયા છે. જેમાં વડોદરાની એક સંસ્થા ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલ દ્વારા મોકલાયેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
અત્યારે જોકે ઈઝરાયેલની પરિસ્થતિ એટલી વધુ નથી વણસી કે ત્યાં ફસાયેલા લોકોને તાબડતોબ ધોરણે ભારત પાછા લઈ આવવા પડે, પણ જો આવનારા દિવસોમાં તેવું કઈ થયું તો ઈઝરાયેલ સ્થતિ ભારતીય દૂતાવાસે તેની પણ તૈયારી દર્શાવી છે.
ઈઝરાયેલ અને વડોદરા વચ્ચેના સંબંધનો અતૂટ તાંતણો એટલે અહી આવેલી ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલ. 1988માં શરૂ કરવામાં આવેલી આ સંસ્થા પાછલા ઘણા વર્ષોથી વિવિધ કાર્યક્રમો થકી ભારત અને ઈઝરાયેલના સબંધોમાં વધુને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરે છે. ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલની સ્થાપના 1988માં ઈઝરાયેલ ફરી આવેલા નિકેતન કોન્ટ્રાક્ટરે અને તેમના કેટલાક વિદ્યાર્થી મિત્રોએ સાથે મળીને કરી હતી. તે વખતે ઈઝરાયેલ અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો પણ ન હતા, તેમ છતાં નિકેતન કોન્ટ્રાક્ટરના આ પગલાને બંને દેશોએ વધાવી લીધું હતુ. ત્યાર બાદ 1992માં જ્યારે પી.વી. નરસિંહરાવની સરકારે ઈઝરાયેલ સાથેના રાજદ્વારી સંબંધોનો સ્વીકાર કર્યો બાદમાં તો નિકેતનભાઈના કામને બંને તરફથી ખૂબ વખાણવામાં આવ્યું.
ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલનું મુખ્ય કામ અહીંના વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર મેળવવા ઈઝરાયેલ મોકલવાનું અને ભારત તેમજ ઈઝરાયેલના સાંસ્કૃતિક વારસાની આપ લે વિવિધ કાર્યક્રમો થકી કરવાનું છે. આ બદલ આ સંસ્થાને વડોદરાના તંત્ર દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે. હાલમાં જ વડોદરાના નિઝામપુરામાં આવેલા એક યહૂદી કબ્રસ્તાનને ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલને હસ્તક કરવામાં આવ્યું છે, જ્યા આ સંસ્થા દેશના પ્રથમ ઈન્ડો-ઈઝરાયેલ કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરશે. અસલમાં 150 વર્ષ પૂર્વે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે યહૂદીઓને કબ્રસ્તાન બાંધવા જમીન આપેલી, જેની પર બાદમાં કેટલાક અસામાજીક તત્વોએ કબજો કરી લીધો હતો. જ્યાર બાદ આ જમીન પર થોડા વર્ષો અગાઉ કોર્પોરેશને ફરી કબજો મેળવ્યો હતો અને હવે ત્યાં ભારતના સૌ પ્રથમ ઈન્ડો-ઈઝરાયેલ કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે.
નિકેતન કોન્ટ્રાક્ટરની સંસ્થાએ આજદિન સુધીમાં સેંકડો લોકોને ઈઝરાયેલ જવામાં મદદ કરી છે. તેઓ પોતે 16 વખત ઈઝરાયેલની મુલાકાતે જઈ ચૂક્યા છે. જે વિશે નિકેતન કોન્ટ્રાક્ટર કહે છે કે, ‘ભારતના લોકો પ્રત્યે યહૂદીઓનું વર્તન ખૂબ સારું હોય છે. તેઓ આપણી ફિલ્મો અને ફિલ્મી સિતારાઓથી ખૂબ આકર્ષિત થયેલા જોવા મળે છે. ઉપરાંત 1948માં અહીથી ઈઝરાયેલ ગયેલા કેટલાક યહૂદીઓ પોતાના ઘરમાં આજે પણ મરાઠી, તમિલ વગેરે ભારતીય ભાષાનો ઉપયોગ કરે છે’.
નિકેતનભાઈને ઈઝરાયેલનો જે મીઠો અનુભવ થયો એ એકદમ યોગ્ય છે, કારણ કે અરબોના આક્રમણથી કંટાળીને જ્યારે યહૂદી પ્રજા પોતાનો દેશ મૂકીને દુનિયા ભરમાં શરણ માટે ભટકતી હતી ત્યારે ભારત એકમાત્ર એવો દેશ હતો જેણે યહૂદી સમુદાયના લોકો સાથે સામેથી આવકાર્ય હતા અને જ્યાં સુધી તેઓ અહી વસ્યા ત્યાં સુધી ભારત તરફથી એમની સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન કરવામાં આવ્યું ન હતુ. આજે ભલે અમેરિકા ઈઝરાયેલના પડખે ઉભુ હોવાનો દાવો કરતું હોય, પણ જ્યારે શરણાર્થી તરીકે યહૂદીઓએ અમેરિકામાં સહારો લીધો હતો ત્યારે અમેરિકન પ્રજાએ પણ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતુ. ભારતની ઉદારદિલી અને સર્વ ધર્મ સમભાવની વિચારધારાને કારણે જ ઈઝરાયેલની સ્થાપના બાદ 1948માં પોતાના વતન પાછા ફરેલા યહૂદીઓમાં આજેપણ ભારતીય સંસ્કૃતિની બોલબાલા છે.
ભારતના યહૂદી સમુદાય પ્રત્યેના કોમળ વલણને કારણે જ નિકેતન કોન્ટ્રાક્ટરની સંસ્થા ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલને યહૂદીઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. નિકેતનભાઈની આ સંસ્થા ઈઝરાયેલમાં વસતા ગુજરાતીઓના વિકાસમાં પણ સારું એવું યોગદાન આપે છે. જેના સિવાય વડોદરાના કુલ ત્રણ મેયર પણ આજદિન સુધીમાં આ સંસ્થાની મદદથી ઈઝરાયેલની મુલાકાત લીધી છે. જે સિવાય વડોદરાના ઘણા વિદ્યાર્થીઓને પણ ભણતર માટે ઈઝરાયેલ મોકલવામાં ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ઈઝરાયેલમાં યુદ્ધની સ્થતિ નિર્માણ પામી છે ત્યારે પણ નિકેતનભાઈ સતત ઈઝરાયેલમાં રહેલા ભારતીયોના સંપર્કમાં છે.
(નિતુલ ગજ્જર-વડોદરા)