ગાંધીનગર– કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના(PMFBY) માટે ગુજરાત સરકાર દ્વારા ઈન્સ્યોરન્સ એજન્સીની નિયુક્તિ કરવામાં આવી છે. યોજનાના સરળ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જિલ્લાઓને ૬ ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યા છે અને આ તમામ ક્લસ્ટર માટે અલાયદી ઈન્સ્યોરન્સ એજન્સીની નિમણુંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ભલામણો અને માર્ગદર્શિકાઓને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા આખરે એજન્સીઓ નક્કી કરવામાં આવી છે. યોજના અન્વયે ક્લસ્ટર-૧(રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ) માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૨(અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા) માટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૩(જામનગર, મહીસાગર, દાહોદ, ગીરસોમનાથ, વડોદરા, છોટાઉદેપુર) માટે ભારતી અક્સા જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૪(જુનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ) માટે એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૫(મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ) માટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ક્લસ્ટર-૬(દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા) માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડની નિયુક્તિ કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લાવાર અને પાક પ્રમાણે પ્રિમયમના દર તથા સબસીડીનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે. સાથેસાથે સુરત અને બનાસકાંઠા માટે અલગથી સંકલિત પેકેજ વીમા યોજના જાહેર કરવામાં આવી છે.