અમદાવાદ: ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ દ્વારા પ્રખ્યાત ગુજરાતી લેખક, પત્રકાર, તંત્રી અને કોલમિસ્ટ સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં ભવન્સ કેમ્પસ, ખાનપુર, અમદાવાદ ખાતે ‘કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલય’નું લોકાર્પણ પ્રખ્યાત ગુજરાતી લેખક મધુ રાયના હસ્તે મંગળવાર, તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:00 થી 5:30 દરમિયાન કરવામાં આવશે.
ગુજરાતી ભાષાના પત્રકાર કે લેખકનું આવું સ્મારક બન્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિ કાયમ કરવા માટે તેમના વ્યક્તિગત સંગ્રહના 1,600 જેટલા પુસ્તકો અને અંદાજે 16,000થી પણ વધારે લેખો અહીં પ્રાપ્ય થશે.
તમામ લેખોને મૂળ સ્વરૂપમાં જાળવી રાખવા તથા તેના ડિજિટાઇઝેશનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ ચાલી રહ્યાં છે. જેનો ઉપયોગ વિધાર્થીઓ, સંશોધકો કે પછી કાંતીભાઈના કોઈ પણ વાચક, નિ:શુલ્ક રીતે કરી શકશે.