દાહોદ: જિલ્લામાં ટીમરૂના પાન વિણવાની મૌસમ સોળે કળાએ ખીલી છે. દાહોદના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગતા ટીમરૂ વૃક્ષોના પાન લોકડાઉનના આ કપરા સમયમાં પણ આદિવાસીઓ માટે અર્થોપાર્જનનું માધ્યમ બન્યા છે. એપ્રિલ માસથી શરૂ થયેલી આ મોસમમાં અત્યાર સુધીમાં આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૫૭૫૭ આદિવાસીઓ દ્વારા રૂ. ૧.૩૭ કરોડની કિંમતના ટીમરૂના પાન એકત્ર કરવામાં આવ્યા છે. તેની સામે રાજ્યના વન વિકાસ નિગમને પણ રોયલ્ટી પેટે રૂ. ૩૭ લાખની આવક થઇ છે. લોકડાઉન વચ્ચે એકત્રીકરણ કામ કરવાની વન નિગમ દ્વારા માંગવામાં આવેલી મંજૂરી કલેક્ટર કચેરી દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેલા લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી સત્વરે મંજૂરી કરવામાં આવી હતી.
ટીમરૂના પાનના એકત્રીકરણ માટે વન વિકાસ નિગમ દ્વારા દાહોદ જિલ્લામાં ૧૬ જેટલા યુનિટ બનાવવામાં આવ્યા છે. આ યુનિટો એવા સ્થળોએ બનાવવામાં આવ્યા છે કે જ્યાં ટીમરૂના વૃક્ષોની સંખ્યા વધુ હોય ! ટીમરૂના પર્ણ તોડવાની મૌસમ સામાન્ય રીતે એપ્રિલ માસમાં શરૂ થઇ જતી હોય છે. જેમ ગરમી વધુ પડે એમ ટીમરૂના પાન ઉત્તમ ગુણવત્તાના બને છે. પાન તોડવાનું કામ કોઇ કાચાપોચા માણસોનું નથી !
વહેલી સવારે, આમ તો મધ્ય રાત્રીના બેત્રણ વાગ્યે આદિવાસી પરિવારના સભ્યો જંગલમાં આ પાન તોડવા જાય છે. પરિવારની મહિલાઓ ગીતો ગાતી ગાતી કોઇ પણ ડર વીના જંગલમાં નીકળી પડે છે. પરિવારનો પુરુષ ટીમરૂ વૃક્ષ ઉપર ચઢી જાય છે અને ડાળી તૂટે નહી એ રીતે ઓજારથી પાન તોડી નીચે પાડે છે અને નીચે રહેલી મહિલાઓ પાન વિણી તેના પોટલા ભરી લે છે. ઉગતા પહોરે પોટલા ભરાઇ જાય એટલે ફરી આ સમુહ ફરી પોતાના ઘરે પરત આવે છે. ટીમરૂના મૂળમાંથી પણ ટીમરૂ ઉગી નીકળે છે. તેને ભોયદોરી તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી મળતા પાન મોટા અને ઉત્તમ ગુણવત્તાના હોય છે.
હવે પાના પૂડા બાંધવાનું કામ શરૂ થાય છે. નબળા પાનને દૂર કરી તેના પૂડા બાંધવામાં આવે છે. સામાન્ય રીતે પાનમાં ટીકાવાળા કે વચ્ચેથી તૂટી ગયેલા પાન, કાંણાવાળા પાનને કાઢી નાખવામાં આવે છે. આમ, તો આ બાબતનો વિણતી વખતે જ ખ્યાલ રાખવાનો હોય છે. પણ, વહેલી સવારના અંધારામાં ખરાબ પાન પણ આવી જાય છે. એક પૂડામાં ૪૦થી ૪૫ પાન હોય છે. સામાન્ય રીતે એક વ્યક્તિ ત્રણ સો પૂડા જેટલા પાન વિણી લે છે. વળી, આ આદિવાસીઓ દ્વારા ટીમરૂની ડાળી ના તૂટે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. કારણ કે, આ જ ડાળી તેને આવક આપે છે.
આ પૂડા ફડવંચાને આપવામાં આવે છે. કદાચ તમે વહીવંચા શબ્દ સાંભળ્યો હશે પણ ફડવંચા શબ્દ તમારા માટે નવો હશે ! ફડ (કે ફડા) એટલે પૂડાનું જ્યાં એકત્રીકરણ થતું હોય એ સ્થળ અને ત્યાં નિગમ દ્વારા રાખવામાં આવેલા વ્યક્તિને ફડવંચા કહેવામાં આવે છે. દાહોદમાં આવા ૧૨૬ ફડા છે. ફડવંચાનું કામ સામાન્ય રીતે વારસાગત રીતે ચાલ્યા આવતા વ્યક્તિને નિગમ દ્વારા આપવામાં આવે છે. પૂડા ફડામાં આવે એટલે ૨૦ બાય ૧૦ની ચોકડીમાં તેને ગોઠવી દેવામાં આવે છે. એટલે એક ચોકડીમાં ૨૦૦ પૂડા હોય છે. ફડવંચા દ્વારા પાન એકત્ર કરનારને પૂડાની કિંમત ચૂકવવામાં આવે છે. હાલે, એક પૂડાની કિંમત રૂ. ૧.૧૦ છે. એટલે કે, ત્રણસો પૂડા બનાવનાર વ્યક્તિને રૂ. ૩૧૧ની આવક થાય !
સબ ડિવિજનલ મેનેજર એમ. એચ. પઠાણ કહે છે ફડવંચાને પાંચ ચોકડી દીઠ રૂ. ૯૦ની મહેનતાણું ચૂકવવા આવે છે. ચોકડીની જમીન ફડવંચાની માલિકીની જ હોય છે. તેની એક વધુ જવાબદારી હોય છે પૂડાને ઉથલાવાની ! પાને ચોકડીમાં સૂર્યપ્રકાશમાં સૂકવવા મૂક્યા હોય ત્યારે, પાન પાંચ-છ દિવસે રતાશ પકડી લે છે. રતાશવાળા પૂડાને ઉથલાવીને લીલા ભાગને સૂકવવાનો ! આ કામ ફડવંચાનું હોય છે. અહીંથી વેપારીઓને બોરા ભરીને ટીમરૂના પાનનું વેચાણ કરવામાં આવે છે.
એક બોરોમાં એક હજાર પૂડામાં સમાય છે. આવા એક બોરાની કિંમત હાલે રૂ. ૧૧૦૦ નક્કી કરવામાં આવી છે. બોરોમાં ભરતા પહેલા પૂડાનો ઢગલો કરી તેના પણ પાણી છાંટી ઢાંકી દેવાય છે. બાષ્પીભવનની પ્રક્રીયાને કારણે આ પાન કૂળા પડી જાય છે. બીડી બનાવવાના હેતુંથી આ પાનનો જથ્થો મોટા ભાગે મહારાષ્ટ્ર, તમીલનાડુ, હૈદરાબાદમાં મોકલવામાં આવે છે.
વન વિકાસ નિગમના વિભાગીય વ્યવસ્થાપક ડી. આર. ગોહિલ કહે છે, ગત વર્ષે વરસાદ સારો રહેવા ઉપરાંત આ વખતે અત્યાર સુધી માવઠુ ના થતાં ટીમરાના પાનનું કલેક્શન સારૂ છે. દાહોદ જિલ્લાના સોળ યુનિટમાંથી વર્ષ ૨૦૧૬માં ૧૪૩૨૫ બોરી, ૨૦૧૭માં ૨૧૭૪૦ બોરી, ૨૦૧૮માં ૧૭૮૮૧ બોરી અને ચાલું વર્ષે અત્યાર સુધીમાં ૧૨૫૧૪ બોરીનું કલેક્શન થઇ ગયું છે. હજુ મોસમ ચાલુ છે, એટલે આ બોરીની સંખ્યા વધવાની આશા છે. પાછલા ત્રણ વર્ષ કરતા આ વર્ષે સૌથી વધુ લોકો ટીમરૂના પાન એકત્ર કરવામાં જોડાયા છે. ૨૦૧૭માં ૩૫૭૩, ૨૦૧૮માં ૨૭૧૮ અને હાલમાં ૫૭૫૭ વ્યક્તિ આ પાન એકત્ર કરી ગૌણપેદાશ થકી આવક મેળવી રહી છે. લોકડાઉનના સમયમાં આ ટીમરૂના વૃક્ષો તેમના માટે આશીર્વાદ સ્વરૂપ બન્યા છે.