અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસની યાત્રા પર ગુજરાત આવી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં તેમની ગુજરાત મુલાકાત મહત્ત્વની છે. તેઓ આવતી કાલે 36મા રાષ્ટ્રીય રમતોત્સવને ખુલ્લો મૂકશે. વડા પ્રધાન રાજ્યમાં રૂ. 29 હજાર કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરશે, જેમાં તેઓ ત્રીજી વંડે ભારત ટ્રેન, અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટ પણ સામેલ છે.
વડા પ્રધાન અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું ઉદઘાટન કરશે અને તેમાં મુસાફરી પણ કરશે. તેઓ ગાંધીનગર-મુંબઈ વચ્ચેની ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી દેખાડશે અને તેમાં જ મુસાફરી કરીને કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચશે. અમદાવાદમાં તેઓ જીએમડીસીમાંના ગરબા કાર્યક્રમની આરતી પણ કરશે.
વડા પ્રધાન ભાવનગરમાં રૂ. 1300 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરશે, જેમાં પ્રાદેશિક સાયન્સ સેન્ટર, પાલિતાણામાં સોલાર પ્લાન્ટ તથા સૌની યોજના લિંક મુખ્ય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રૂ. 5000 કરોડનાં કામોનું લોકાર્પણ કરશે. જેમાં મુખ્યત્વે પાલનપુર-મહેસાણા રોડ, તારંગા-અંબાજી-આબુરોડ રેલવેલાઇન તથા મીઠા-ડીસા વચ્ચેના પહોળા બનાવાયેલા રોડનો સમાવેશ થાય છે. તેઓ ભાવનગરમાં વિશ્વના પહેલા CNG ટર્મિનલની આધારશિલા મૂકશે.
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લગભગ રૂ. 3000થી વધુ કરોડનાં કામોનું લોકાર્પણ કરશે. જેમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નિર્મિત વોટ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ. બાયો ડાયવર્સિટી પાર્ક, ડ્રીમ સિટી તથા હજીરામાં રોપેક્સ ટર્મિનલનો સમાવેશ થાય છે.