અંબાજી-ગુજરાતમાં સુરક્ષાના મુદ્દે સવાલ ખડો કરતી એક ઘટના યાત્રાધામ અંબાજી નજીક ગત મોડી રાત્રિએ બની છે. જેમાં ખાનગી લક્ઝરી બસ સહિત એસ ટી બસ ઉપર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટનાથી યાત્રિકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
ઘટનાની વિગત જોઇએ તો અંબાજીથી માત્ર 6 કિલોમીટર જેટલી દૂર શિવદત્ત નાળા પાસે રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના શુમારે કેટલાક અજાણ્યાં શખ્શો દ્વારા હાઇવે પરથી પસાર થતાં વાહનો ઉપર પથ્થરમારો કરાતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મોટામોટા પથ્થરો બસ ઉપર ફેંકાતા લક્ઝરી બસના અનેક કાચ તૂટી ગયાં હતાં. જેમાં ગુજરાત ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરને પથ્થર લાગ્યો હતો અને તેથી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા લક્ઝરી બસ રોડની બાજુએ ખાડામાં ખાબકી હતી.
અન્ય એક બસ પણ એવા પથ્થરમારાનો ભોગ બની હતી. વડોદરા અંબાજી રૂટની એસટી બસ ઉપર પણ પથ્થરમારો થતાં તેના પણ કાચ તૂટ્યાં હતાં. જોકે એસટી બસના ડ્રાયવરની સમયસૂચકતાથી બસ અંબાજી પહોચી જવામાં સફળ થઇ હતી. આ રીતે મુસાફરો લૂંટના ભોગ બનવાની જાણ થતાં પોલીસ 25 થી 30 મિનિટમાં જ પહોંચી જતાં મોટી લૂંટ કે મોટી જાનહાનિ થતાં અટકી હતી.
લકઝરી બસના પ્રવાસીઓને સહીસલામત અંબાજી મોકલી દેવાયાં હતાં અને ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે પાલનપુર ખસેડવામાં આ્યો હતો. જોકે આ મામલે અંબાજી પોલિસ સ્ટેશનના એએસઆઈ હસમુખ પ્રજાપતિએ લૂંટ થયાની બાબતને નકારી હતી અને લૂંટ મામલે કોઈ ફરિયાદ થઇ નથી તેમ જણાવ્યું હતું. જયારે લૂંટનો ભોગ બનનાર અંમદાવાદના ધનંજય નામના મુસાફરે અજાણ્યા લૂંટારુઓનએ પોતાના પાસેથી તથા અન્ય મુસાફરો પાસેથી 30 થી 40 હજાર રૂપિયાની રોકડ રકમ લૂંટાઇ હોવાનું જણાવ્યું હતું. રાત્રે ગભરાયેલા હોવાથી તેમ જ રૂપિયા તો ગયા પણ જીવ બચ્યો તેમ માની પોલિસ ફરિયાદ ન કરી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ અને તસ્વીરો- ચિરાગ અગ્રવાલ