ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢી

અમદાવાદ– ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેની કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ છે, જેથી તેને બંધ કેમ નહી કરવી જોઈએ, તેવી ટીકા કરી છે. અંકલેશ્વરમાં જળ અને વાયુ પ્રદુષણ દૂર કરવાના મુદ્દે તંત્રની નિષ્ફળતા સામે આવી છે, જેથી હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. જો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પોતાની જવાબદારી ના નિભાવી શકે તો એને બંધ કરવા કોર્ટ આદેશ કરશે. ગુજરાત હાઇકોર્ટે અવલોકન બાદ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બંધ થઈ શકે તેવી શક્યતા છે. અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટસથી ફેલાતા જળ અને વાયુ પ્રદુષણને ડામવામાં તંત્રની નિષફળતા બાદ હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. હાઈકોર્ટ કહ્યું છે કે એક બીજા પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો, તમે આપણા વાતાવરણને પ્રદુષિત થતા નથી રોકી શકતા અને પૃથ્વીને નુકસાન પહોંચાડો છો. GPCBએ દાંત, નહોર વગરનો વાઘ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. પ્રદુષિત પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે, તે વાતાવરણને વધુ પ્રદુષિત કરે છે.અંકલેશ્વરમાં પ્રદુષણના મુદ્દે કોર્ટે એમિકસ ક્યુરી(કોર્ટ મિત્ર)ની નિમણૂક કરી છે. સિનિયર એડવોકેટ શાલીન મહેતાની એમિકસ ક્યુરી તરીકે નિમણૂક કરાઈ છે, જે અંકલેશ્વરમાં પ્રદુષણની સ્થિતિ, ભૂતિયા પાઇપલાઇન, પ્રદુષણ ફેલાવતી ઇન્ડસ્ટ્રીઝ વિશે તપાસ કરશે અને કોર્ટને અહેવાલ આપશે.

આજે મંગળવારે અંકલેશ્વરમાં પ્રદુષણ મુદ્દા પરની સુનાવણી વખતે જીપીસીબીના અધિકારીઓ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા.