ગાંધીનગરઃ આખો દેશ અત્યારે કોરોના સામે લડી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે જેથી રાજ્યમાં ચિતાનો માહોલ બન્યો છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તેવી જાહેરાત કરવામાં આવી છે. આજે CMO સચિવ અશ્વિની કુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતના વાલીઓને રાહતના સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે શાળા સંચાલક મંડળના આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે.
લોકાડાઉન વચ્ચે ગુજરાતના વાલીઓને રાહત આપતા અશ્વિની કુમારે કહ્યું કે આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો નહીં કરી શકે. આ સિવાય તેમણે કહ્યું કે લોકડાઉનના 3 મહિનાની ફી માટે વાલીઓને દબાણ પણ નહીં કરાય. તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ સારી ન હોય તે વાલીઓને પણ રાહત મળશે. ઉપરાંત અશ્વિની કુમારે કહ્યું કે માર્ચ-મેની ફી જૂનથી લઈ નવેમ્બર સુધી ફી જમા કરાવી શકશે. લોકડાઉન વચ્ચે હવે વાલીઓને માર્ચ, એપ્રિલ અને મે માસની ફી માટે 6 મહિનાની મુદ્દત આપવામાં આવી છે.
CMO સચિવે કહ્યું કે ફીનો હપ્તો ક્વાર્ટરલીને બદલે માસિક ભરી શકશે. શાળા સંચાલકો દ્વારા વાલીઓ પર 3 મહિનાની ફી માટે દબાણ નહીં કરાય. ઉપરાંત તેમણે તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશનની જાહેરાત કરી છે અને 17 મે બાદ યુજીસી(UGC)ની ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષા લેવાશે એમ કહ્યું છે. 16 એપ્રિલથી 10-12નાં પેપર્સનું મુલ્યાંકન શરૂ કરાશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે APL-1ના કુટુંબોને આજથી રાશન વિતરણ કર્યું છે. અત્યાર સુધી 4 લાખ કુટુંબોને રાશન પહોંચાડાયું છે.