ગેરકાયદેસર રાસાયણિક કચરાનું ગોડાઉન બળીને ભસ્મીભૂત, એક દિવસમાં ત્રણ આગના બનાવ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ટાઈમ ટેક્નો કંપનીમાં મોડી રાત્રે ચાર વાગ્યાના અરસામાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવી શકાયો નથી.

તો આ તરફ ગત મોડી રાત્રે અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMCના ત્રણ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. નોટિફાઇડ એરિયા ઓથોરિટીના પાંચ ફાયર ટેન્ડરની મદદથી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે ગોડાઉન પાસે ફાયર NOC કે આગ બુઝાવવાના કોઈ સાધનો નહોતાં. વધુમાં, સંચાલકો ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરાનો સંગ્રહ કરતા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ગોડાઉન સંચાલકોએ ફાયર કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતાં પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે અને સંબંધિત સંચાલકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.

બીજી બાજું ઉત્તર ગુજરાતના સુરતમાં આવેલ માંગરોળમાં આવેલી નવાપરા GIDCમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી હતી. બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરિયલ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીમાં રહેલા કેમિકલ ભરેલાં ડ્રમોમાં બ્લાસ્ટ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. લગભગ 6 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.