અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ડાયાલિસિસ સેન્ટરને મંગળવારથી GMERS મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં કાર્યરત કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ઉત્તર ગુજરાતના વડનગરમાં અલ્ટ્રા-મોડર્ન ડાયાલિસિસ સેન્ટરને ખુલ્લું મૂક્યું છે, જે આ વિસ્તારના સંખ્યાબંધ દર્દીઓને રાહત આપશે.
આ સેન્ટર દૈનિક ઓછામાં ઓછા 15 દર્દીઓને ઉચ્ચ-ગુણવત્તાવાળા હેમોડાયાલિસિસ સેશન્સ પૂરા પાડવા માટે પાંચ ડાયાલિસિસ મશીનોથી સજ્જ છે. દર્દીઓએ ડાયાલિસિસ કરાવવા માટે નજીકમાં આવેલા નગરો જેમ કે સિદ્ધપુર, ખેરાળુ, મહેસાણા અને વીસનગરની મુલાકાત લેવી પડતી હતી, જે તેમના કામના કલાકોને અસરકર્તા હતા, પરંતુ વડનગરમાં શરૂ કરાયેલા GDP સેન્ટરે તેમના જીવનને સરળ બનાવી દીધું છે, તેમ IKDRC-ITSના નિયામક ડો. વિનીત મિશ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
અહીંના સેન્ટરમાં દરેક બેડ બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે પ્લગ એન્ડ પ્લે એલઈડી એન્ટરટેઇમેન્ટ સ્ક્રીન્સ સાથે સજ્જ છે, જેથી દર્દીઓ તેમના ચાર કલાકના લાંબા ડાયાલિસિસ સેશન દરમિયાન તેમને પ્રિય તેવા મનોરંજનની પસંદગી કરી શકે અને આનંદ માણી શકે. “સંગીત અને ફિલ્મો જેવા હળવા મનોરંજન દર્દીઓને ડાયાલિસિસ સેશનમાં તેમના બ્લડપ્રેશર સ્તરને જાળવા રાખવામાં મદદ કરે છે, જે તેને ઓછી તણાવગ્રસ્ત પ્રક્રિયા બનાવે છે, એમ તેમણે કહ્યું હતું.
સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત GDP 54 કેન્દ્રો અને 600 ડાયાલિસિસ મશીન્સ સાથે વિશ્વભરના જાહેર ક્ષેત્રની સૌથી વિશાળ ચેઇન છે. GDP સેન્ટર્સ રાજ્યમાં દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેમને વિનામૂલ્યે ડાયાલિસિસ પ્રદાન કરે છે અને શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે લગભગ 14 લાખ ડાયાલિસિસ સેશન્સ પૂર્ણ કર્યાં છે. પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP)ને સમર્થન આપવા માટે ફેરફેક્સની દેશવ્યાપી પહેલ હેઠળ ફેરફેક્સ ઇન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વડનગર સેન્ટરમાં હેમોડાયલિસિસ મશીનોની સુવિધા આપવામાં આવી છે.
