ગૌતમ અદાણીનો મહેમાન બન્યો ૧૨-વર્ષનો હેમલ

અમદાવાદઃ ૧૨ વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે મેગેઝીનમાં ફોટાઓ જોઈજોઈને નાની વયથી આડા અવળા લીટોડા કરી સ્કેચ બનાવવા પ્રયાસ કરતો હતો. મૂક-બધીર માતા-પિતાનાં પુત્ર હેમલે ગૌતમ અદાણીનો સ્કેચ બનાવ્યો હતો અને આ સ્કેચ તેણે ટ્વીટર ઉપર મૂકીને ગૌતમ અદાણીને ટેગ કર્યા હતા.

હેમલનો નંબર મેળવી તેને જણાવાયું કે ’તમે જેમનો સ્કેચ બનાવ્યો છે તે ગૌતમ અદાણીને તમને મળવાની ઇચ્છા છે.’ હેમલને પહેલા તો કોઇ સપનું જોતો હોય તેવો ભાસ થયો. પરંતુ આ હકીકત બનવા જઇ રહી હતી.

પોતાનો આ સ્કેચ જોઇને તેમણે આજે આ બાળકને લેવા-મૂકવાની વ્યવસ્થા સાથે ખાસ મળવા માટે વૈષ્ણવ દેવી નજીકના શાંતીગ્રામ ખાતે ગ્રુપની કોર્પોરેટ ઓફિસમાં આમંત્રણ આપ્યું હતું. પોતાનો આ સ્કેચ એક મોટા ઉદ્યોગકારની રુબરુ મુલાકાત તરફ દોરી જશે એવી હેમલ જ નહી તેના વડીલોને પણ કલ્પના નહોતી.

પોતાનું આબેહૂબ રેખાચિત્ર જોઇને હેમલની હસ્તકલાથી પ્રભાવિત થયેલા ગૌતમ અદાણીએ હેમલને ગજરાજની ચાંદીની પ્રતિમા અને ચિત્રકામની કીટ ભેટમાં આપી હતી. હેમલે ભેટ સ્વીકારતા ટ્વીટ કર્યું હતું કે, મને ખૂશી છે કે હું ગૌતમભાઇ અદાણીને તેમની ઓફિસમાં મળી શક્યો. તેમના આશિર્વાદે મને પ્રેરણા પૂરી પાડી છે.’

હેમલના દાદાએ ટેલીફોન પરની વાતચીતમાં જણાવ્યું હતું કે હેમલે ભારતની અનેક મોટી હસ્તીઓના સ્કેચ બનાવ્યા છે પરંતુ અદાણી એવા સૌ પ્રથમ એવી વ્યક્તિ છે જેણે હેમલની કલા પ્રતિભાને રુબરુ બોલાવીને પોંખી છે.

ન્યુ સી.જી.રોડ ખાતેની સાકાર શાળાના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી હેમલને સ્કેચ – રેખાચિત્રો બનાવવાની આવડત વારસામાં મળી છે. ચાર પેઢીથી પેઇન્ટીંગ સાથે જોડાયેલા પરિવારના હેમલના પિતા મેહુલભાઈ મૂક બધિરતાની શારીરિક ઉણપ સાથે પરિવારના વ્યવસાયના પત્ર વ્યવહાર અને કોમ્પ્યુટર સંબંધિત કામકાજ સંભાળે છે. હેમલના મમ્મી નીશાબેન ગૃહકાર્ય સંભાળે છે.