ગાંધીનગરઃ કોરોના રોગચાળાની ગાઇડલાઇન્સનું પાલન કરતાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) સમુદાયે 75મા સ્વતંત્રતા દિવસ-2021ની હર્ષભેર ઉજવણી કરી હતી. સંસ્થાએ અને તેના વિદ્યાર્થી જૂથોએ સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અનેક રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં સ્ટેમ્પ ડિઝાઇનિંગ સ્પર્ધા, સ્પોકન વર્ડ સ્પર્ધા, ફ્રીડમ ડે ક્વિઝ, શીર્ષાસન ચેલેન્જ, ફિટ ઇન્ડિયા રન 2.0 અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
IITGN સંસ્થા અને તેના વિદ્યાર્થીઓના જૂથે દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણીનું આયોજન એકદમ સરસ રીતે કર્યું હતું. IITGN સંસ્થાએ આ ઉજવણીના કાર્યક્રમમાં સાવચેતી રાખતાં ઓફલાઇન હાજરી ઓછી અને ઓનલાઇન ભાગીદારીના માધ્યમથી મોટા ઉત્સાહ સાથે ઊજવી કરી હતી, જેમાં સંસ્થાએ રૂ. 10,000થી વધુના ઇનામો પણ રાખ્યા હતા. સંસ્થાના સમુદાયના સભ્યો આ કાર્યક્રમ પર યુટ્યુબ ચેનલ પર લાઇવ વેબકાસ્ટમાં જોડાયા હતા.
આ પ્રસંગે IITGNના ડિરેક્ટર પ્રો. સુધીર જૈને IITGV સમુદાયને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને અત્યાર સુધી થયેલી પ્રગતિને જોવા અને ભવિષ્યમાં શું કરી શકાય એ માટે વિચારો વ્યક્ત કરવા કહ્યું હતું. તેમણે રોગચાળા સમયેના પડકારજનક વખતે સમુદાય દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. અમે એક સમુદાયના રૂપમાં રોગચાળા દરમ્યાન એકબીજાને અને આસપાસના સમુદાયને ટેકો આપવા સામૂહિક પ્રયાસો કર્યા હતા. સંસ્થાએ તમામ પડકારો છતાં છેલ્લા એક વર્ષમાં સંશોધનને મોરચે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમને એ સફળતા માટે ગર્વ છે, જેનું શ્રેય સંસ્થાની સંસ્કૃતિ અને મૂલ્યોને આપી શકાય છે. આ સ્વતંત્રતા દિવસે આપણે એ વાતનો વિચાર કરવો જોઈએ કે આપણે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અનુભવ અને સંશોધનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.