પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામમાં સ્થિત જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી સહિત ત્રણ મૂર્તિઓ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સોમવારે (10 માર્ચ) બનેલી આ દુખદ ઘટનાની જાણ થતાં જ પોલીસે તત્કાળ તપાસ શરૂ કરી હતી અને મંગળવારે (11 માર્ચ) શંકાસ્પદ લોકોને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.
ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલયના પરિસરમાં આવેલ જિનાલયમાં અજાણ્યા શખ્સો ઘૂસી, મહાવીર સ્વામીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા, જ્યારે ગૌતમ સ્વામીની પ્રતિમાનો મોટો હિસ્સો તોડી પડાયો હતો. તેમજ વલ્લભસુરી મહારાજની પ્રતિમાનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ કૃત્યથી સમગ્ર જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે અને લોકોમાં ભારે રોષ છે.
જૈન સમાજના અગ્રણીઓએ ઘોઘંબા રાયગઢ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેઓએ ગૃહમંત્રી સમક્ષ પણ આ મામલે રજૂઆત કરી છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી, પોલીસ તંત્રએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસને વધુ ગતિ આપી છે અને આરોપીઓની ઓળખ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
