સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ શિસ્ત સમિતિએ કાર્યવાહી કરીને કુંભાણીને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા અને એ સાથે જ છેલ્લા છ દિવસથી ગાયબ કુંભાણી અચાનક વિડિયો રૂપે પ્રગટ થયા છે. 5 મિનિટ 15 સેકન્ડના વીડિયો દ્વારા એમણે પોતાનો પક્ષ રજૂ કર્યો સાથે કોંગ્રેસ પર આક્ષેપ પણ મૂક્યા અને પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો રાગ આલાપ્યો હતો.
નિલેશ કુંભાણીએ વીડિયો મેસેજમાં કહ્યું કે, હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો ? અમારી સભા કે ડોર ટુ ડોર કેમ્પેનમાં એકપણ આગેવાન આવ્યા નહોતા. મને એકલો મૂકી દીધો હતો અને હું એકલો પ્રચાર કરતો હતો.
નિલેશ કુંભાણી વધુમાં જણાવે છે કે, 2017માં પણ ભાજપની ઓફર હતી. અપક્ષ લડવા અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપવાની વાત છતાં મેં કોંગ્રેસ વિરુદ્ધ એકપણ નિવેદન આપ્યું નહોતું.’
પ્રતાપ દૂધાત બાબતે કહ્યું કે, મેં પ્રતાપભાઈને ઘણીવાર કીધું કે, તમે સભાઓમાં મારી સાથે આવો તો તેમણે કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલી પછીની તારીખ લેજે એટલે મેં તેને પૂછીને ત્યાર પછીની તારીખ લીધી. પરંતુ તેઓએ મારો ફોન નહોતો ઉઠાવતા એટલે મેં મોવડી મંડળને કહ્યું કે, તમે પ્રતાપ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જાવ ત્યારે મારી સાથે હાજર રહે. પરંતુ તેઓ આવ્યા નહીં અને તેઓ જે મને મારી નાંખવાની ધમકી આપે છે જો તેઓ હાજર રહ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત.
વીડિયોમાં છેલ્લે એમણે પોતે કોંગ્રેસના સૈનિક હોવાનું જણાવીને કહ્યું કે, હું ચૂંટણી જીત્યો કે હાર્યો વરાછા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી હતી. હું એકપણ નિવેદન મારી કોંગ્રેસને નુકસાન થાય એવું નહીં આપ્યું. આ બધું થયું છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.
ઘોડા છૂટી ગયા પછી હાજર થયેલા કુંભાણીનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. પણ એમના કહેવામાં શું સાચું શું ખોટું એ તો હાથ જાણે કે કમળ જાણે!
(અરવિંદ ગોંડલિયા, સુરત)