અમદાવાદઃ શહેરમાં 25 ફેબ્રુઆરીએ આયેશાએ તેના પતિના ત્રાસને કારણે આપઘાત કર્યો હતો. જેનો વિડિયો અને ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આયેશા નામની આ યુવતીની આત્મહત્યાની ઘટનાના આખા દેશમાં પડઘા પડ્યા છે. આયેશાના પતિ આરિફને અમદાવાદ પોલીસે ઝડપી લીધો છે. શહેરમાં રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. એ પછી તેને બુધવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
કોર્ટે આરોપી પતિ આરિફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આરોપીનો મોબાઇલ ફોન કબજે કરી અન્ય યુવતી સાથેના સંબંધ અને દહેજ માગણી સંબંધિત પૂછપરછ કરી તપાસને આગળ વધારશે.
આસિફ આયશાના મામાનો દીકરો છે. આયશાના ચારિત્ર્ય પર શંકા કરીને આરીફ ત્રાસ આપતો હોવાનો આરોપ છે. એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. અસદુદ્દીન ઓવૈસીનો એક વિડિયો હાલ વાઇરલ થયો છે કે જેમાં ઓવૈસીએ સમાજની દરેક મહિલાને એવી અપીલ કરી છે કે આવા દહેજભૂખ્યા પતિઓને લાત મારવી જોઈએ અને કાયદાનો સહારો લેવો જોઈએ.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતા આયેશા મકરાણીને આપઘાત માટે મજબૂર કરનાર પતિ આરિફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના પાલીમાં એક સંબંધીના લગ્નપ્રસંગમાંથી આરિફને ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ આયેશાના પિતાએ પણ આરિફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે આરિફને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ હતા. કોઈ મને રૂમ ભરીને રૂપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું. આયેશાના પરિવારજનો હવે ન્યાયની માગ કરી રહ્યા છે.