સેવાના પથ પર શ્રેષ્ઠ સન્માન, ડો. પ્રીતિ અદાણીને એનાયત D.Sc. પદવી

અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા – અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીને દત્તા મેઘે ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી), વર્ધા દ્વારા “ડોક્ટર ઑફ સાયન્સ” (D.Sc.)ની માનદ પદવી એનાયત કરવામાં આવી છે. આ પદવી તેમને સમાજ કલ્યાણ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર યોગદાન માટે સન્માનરૂપે આપવામાં આવી છે.

સંસ્થાના 16મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત રહેલી ડૉ. અદાણીને DMIHERના ચાન્સેલર દત્તા મેઘે દ્વારા આ પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. અદાણીએ જણાવ્યું હતું કે, “સેવા એ જ સાધના છે, સેવા એ જ પરમાત્મા છે. આ માનદ પદવી મારા આ દૃઢ વિશ્વાસને વધુ મજબૂત કરે છે. હું સમાજમાં કાયમી પરિવર્તન લાવતી ઉકેલકેન્દ્રિત રીતોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવું છું.”

ડૉ. પ્રીતિ અદાણી વ્યવસાયે ડેન્ટલ સર્જન છે, પરંતુ પોતાની ક્લિનિકલ કારકિર્દીને છોડીને તેમણે જાહેર સેવાનો માર્ગ પસંદ કર્યો. વર્ષ 1996માં અદાણી ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેમણે સમાજસેવા ક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. અદાણી ફાઉન્ડેશન ભારતમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ટકાઉ આજીવિકા, આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ જેવી પાંચ મુખ્ય દિશાઓમાં કામ કરી રહી છે. આજના દિવસે ફાઉન્ડેશન ૨૧ રાજ્યોના ૬,૭૬૯ ગામોમાં ૯૧ લાખથી વધુ લોકોને સ્પર્શી રહ્યું છે. બાળકો, મહિલાઓ, યુવાનો અને હાંસિયે ધકેલાયેલાં સમુદાયોની જિંદગીમાં આ સંસ્થા દૃઢ અને દાયકાઓ સુધી ચાલતી અસર ઉભી કરી રહી છે.

ડૉ. અદાણીને અગાઉ પણ અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2020માં ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયતી થઈ હતી, જ્યારે 2019માં રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા તેમને “બનાસ રત્ન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2022માં તેઓએ FICCI FLO Excellence Award for Social Impact પણ પ્રાપ્ત કર્યો હતો.