અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં ઓક્સિજનનું સંકટ સર્જાયું છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે શહેરમાં GMDC હોસ્પિટલ અને કોલવડા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ બાદ પોતાના સંસદીય મત વિસ્તારના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર સેવા માટે 10 કરોડને ખર્ચે સાધન સહાય ઉપલબ્ધ કરાવી છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી સંબધિત સ્થળોએ પહોચાડવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર વાહકોએ રવાના કરી હતી અમદાવાદ અને ગાંધીનગરમાં ઉભી કરેલી આરોગ્ય સુવિધાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સમગ્ર ગુજરાત વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
અમિત શાહે કરેલી મદદ આશીર્વાદ રૂપ નીવડશેઃ રૂપાણી
મુખ્ય પ્રધાને જણાવ્યું છે કે ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી છે તે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે. ગુજરાતની જનતા અને રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેર વચ્ચે ગુજરાતને અમિત શાહે કરેલી આ મદદ સહાય આશીર્વાદ રૂપ નીવડશે. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અમિત શાહે કોરોના કાળમાં પોતાના મત વિસ્તારના લોકોની આરોગ્ય સુવિધાઓની પણ દરકાર કરીને આદર્શ સંસદસભ્યનો દાખલો બેસાડયો છે.
ગૃહપ્રધાને ગાંધીનગર લોકસભા સંસદીય મતવિસ્તારમાં રૂ.10 કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે, જેમાંથી 100 બાયપેપ મશીન અને 25 વેન્ટિલેટરની સુવિધા ઊભી થશે. આ બાયપેપ મશીનમાંથી 50 સોલા સિવિલ ખાતે અને 50 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે.