અમદાવાદઃ અમેરિકાનાં ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી અને વિદેશપ્રધાન હિલેરી રોધમ ક્લિન્ટને એમની ભારત-મુલાકાતના ભાગરૂપે આજે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર સંસ્થાની મુલાકાત લીધી હતી અને પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા IITGN સમુદાય સાથે સંવાદ કર્યો હતો.
માનવતાવાદી અને પરોપકારી પ્રવૃત્તિઓ માટે તેમજ મહિલાઓનાં અધિકારો તથા સામાજિક ન્યાયની હિમાયત માટે જાણીતાં હિલેરી ક્લિન્ટનની સાથે આ કાર્યક્રમમાં ક્લિન્ટન ગ્લોબલ ઈનિશિએટીવ (સીજીઆઈ) સંસ્થાના વરિષ્ઠ અધકારીઓ પણ હતાં.
સંસ્થા ખાતે આયોજિત ‘ટાઉન હોલ’ દરમિયાન ક્લિન્ટને પર્યાવરણ રક્ષણના પગલાં લેવાની જરૂરિયાત પર તેમજ આપણા દૈનિક જીવનમાં સ્થાયી વૈકલ્પિક ઉપાયો અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે મીઠાના એક અગરની મુલાકાતનું દ્રષ્ટાંત આપ્યું હતું જ્યાં તેમણે મહિલાઓને સૌર્ય ઊર્જા-સંચાલિત પમ્પનો ઉપયોગ કરતાં જોઈ હતી. ક્લિન્ટને વૈકલ્પિક ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારતની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અનેક કહ્યું કે વૈકલ્પિક સ્વચ્છ ઊર્જા ભારતનું ભવિષ્ય છે. તે દેશ પર બોજો બનવાને બદલે દેશના ખર્ચને ઘટાડશે અને સમુદાયો માટે વધારે આવક ઉત્પન્ન કરશે.
કોરોના-19 મહામારીમાંથી શીખવા મળેલા બોધપાઠ અંગે એક વિદ્યાર્થીએ પૂછેલા સવાલના જવાબમાં ક્લિન્ટને કહ્યું હતું કે, આમ તો ઘણા બોધપાઠ શીખવા મળ્યા છે, પરંતુ મારાં મતે એક મહત્ત્વનો એ છે કે આપણે આપણા દેશોમાં તેમજ આસપાસના પ્રદેશોમાં એવી સપ્લાય ચેન બનાવવાની જરૂર છે જેથી આપણે નિર્ભર રહેવું ન પડે. બીજું, આપણે જાહેર આરોગ્યના સંદેશાઓનો પ્રસાર કરવા માટે વધારે સારી રીતે કામ કરવું પડશે.