રાજ્યના કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો…

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ બરોબર જામ્યુ છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ગત સપ્તાહે મેઘ મહેર બાદ હવે રાજ્યના કાંઠા વિસ્તારોનો વારો છે. બંગાળ અને ઓરિસ્સા વચ્ચે એક લો પ્રેશર સક્રિય થતાં આ લો પ્રેશરની મુવમેન્ટ ગુજરતા તરફ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કાંઠા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે કાંઠા વિસ્તારોમાં 46 કિ.મીથી 65 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કાંઠા વિસ્તારમાં પવન ફૂંકાશે અને વરસાદ થશે ઉપરાંત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અને રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીર પણ આવ્યાં છે. અત્યારસુધીમાં 83.95 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે 204 જળાશયોમાંથી 38 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે.

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે પૂરી થઇ છે કારણ કે ગત વર્ષે ગુજરાતમાં જુલાઈ મહિનામાં તો વરસાદ ખેચાયો હતો જેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી પરંતુ ઓગસ્ટની શરુઆતમાંથી સારો વરસાદ પડયો છે. ગુજરાતમાં સારો વરસાદ થતાં ખેતીના પાકને જીવનદાન મળ્યું છે.