અમદાવાદઃ વડોદરા બાદ હવે રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસ્યો છે. સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંયા વલસાડ, વાપી, ઉમરગામ, કપરડા, અને ડાંગમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો સુરતમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે.
વલસાડમાં છેલ્લા 24 કલાકથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આખી રાત અનરાધાર વરસાદ વરસ્યો છે. ગત મધ્ય રાતથી મેઘરાજાની ધુંઆધાર બેટિંગ જોવા મળી. વલસાડમાં ભારે વરસાદને પગલે ખાનગી શાળાઓએ રજા જાહેર કરી દેવામાં આવી છે. વલસાડના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
હજી પણ મૂશળધાર વરસાદ શરૂ છે. મધ્ય રાતથી શરૂ રહેલું વરસાદી જોર હજી પણ યથાવત છે. ઠેર ઠેર ખુલ્લી જગ્યાઓ તળાવોમાં ફેરવાઈ છે. નદીઓમાં ઉમરગામ તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો ઉમરગામની વારોલી ખાડીના પાણી ટીભીં ગામેં માછીવાડમાં ઘૂસ્યા છે. ઉમરગામની વારોલી ખાડી બે કાંઠે વહેતી થઈ છે. મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે વારોલી ખાડીમાં નવુ પાણી જોવા મળ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની નદીઓમાં પાણીની સપાટી વધી છે. કોલક નદીની પાણીની સપાટી વધી છે, જેને લઈ પારડી તાલુકામાં આવેલી બે અલગ અલગ જગ્યાના કોઝવે પાણીમાં ડૂબ્યા છે. પાટી અને અરનાળા વચ્ચેનો કોઝવે ધોવાયો છે. તો બીજી તરફ ગોઈમાં અંભેટી વચ્ચેનો કોઝવે પણ પાણીમાં ડૂબી ગયો છે. એક તરફ વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે, તો ગામ લોકો હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલ લોકો પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદનું જોર યથાવત છે. જેને પગલે ૮ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ૩૦થી વધુ ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બન્યા છે. સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. સાપુતારામાં ઝીરો વિઝીબીલીટીને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. તો સ્થાનિક લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ઉમરગામ 3.68 ઇંચ, કપરાડા 10.44 ઇંચ, ધરમપુર 5.08 ઇંચ, પારડી 6.76 ઇંચ, વલસાડ 4.48 ઇંચ, વાપી 9.24 ઇંચ, આહવા :4.2 ઇંચ, વઘઇ 7.36 ઇંચ, સાપુતારામાં 4 ઇંચ, અને સુબિરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટની વાત કરીએ તો શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે.
રાજકોટ શહેરમાં થોજા જ કલાકોમાં જ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો શહેરમાં આવેલો આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેના કારણે શહેરમાંથી પસાર થતી આજી નદી ગાંડીતૂર બની હતી.
રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આવેલા માલવિયા કોલેજ પાસેના વિસ્તારમાં રસ્તા પર બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે. તો શહેરના અન્ય વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. તો અહીં આવેલી આજી નદી બે કાંઠે વહી રહી છે.
આજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા આજી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના ધસમસતા પાણીમાં બે યુવકો તણાયા હોવાની ફરિયાદ મળી છે. નદી કિનારે આવેલા રામનાથ મંદિર પાસે આજીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો. ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું. તો શહેરના મોચી બજાર નજીક 20 વર્ષનો યુવક પાણીમાં તણાયો હતો. ત્યારે ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં જ તેમણે શોધખોળ હાથ ધરી હતી. જો કે, યુવકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
તો સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અનરાધાર વરસ્યા હતા. જેમાં અમરેલીના બગસરા અને લીલીયા પંથકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, તો બગસરાની સાતલડી અને લીલીયાની નાવલી નદીમા પૂર આવ્યું છે. તો ગોંડલ પાસે આવેલા જલારામ બાપાના વીરપુરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું અહીં જેસર પંથકમાં કદંબગીરી, ચિરોડા, સનાળા અને ભંડારીયા ગામમાં વરસાદ પડ્યો છે.