અમદાવાદઃ દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે આ તહેવારની સીઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે રેલવે દ્વારા છઠ અને દિવાળીના અવસર પર લગભગ 7300 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4500 વિશેષ ટ્રેન હતી.
દિવાળીના તહેવારો પછી અમદાવાદ અને સુરતનાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. છઠ પૂજા માટે ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે ભારે ભીડ ઊમટી રહી છે. આ રાજ્યોમાં છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં સુરત, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, બારડોલી, નવસારીથી મુસાફરો આવ્યા છે. બીજી તરફ, ભારે ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો પીલેસ હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કલાકોથી માનવ મહેરામણ ઊમટી પડ્યો છે. ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની લાંબી લાઈનો લાગી છે અને લોકલ ડબ્બામાં બેસવા માટે પડાપડી થઈ રહી છે. સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરો ગઈ કાલે રાત્રિથી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્ટેશન પર જ રાત વિતાવી હતી. તહેવારો દરમિયાન દેશના વિવિધ શહેરોમાંથી ઉત્તર પ્રદેશ-બિહાર જનારા લોકોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળે છે. જેમાં સૌથી વધુ મુસાફરો ટ્રેન મારફતે પોતાના વતન જતા હોય છે. જેના પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સુરત રેલવે સ્ટેશન પર 100થી વધુ પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વધતી ભીડને કારણે શહેરમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ કામે લાગી છે. તો કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ પણ કરાયો હતો.