અમદાવાદ: ગુજરાત ભરમાં બે દિવસના ઠંડીના ચમકાર બાદ ફરી ઉનાળાનો તપતો તાપ શરૂ થઈ ચૂક્યો છે. પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ થઈ છે. જેના કારણે ઠંડા પવનનું જોર ઘટ્યું છે. એન્ટિસાઇકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાશે. રાજ્ય સહિત દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ જેવા શહેરોમાં તો બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં હવે ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગુજરાતમાં હિટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે પણ ગરમીને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી ચાર દિવસોમાં કચ્છ અને રાજકોટ માટે હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન ગરમ રહેવા સાથે ભેજયુક્ત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે. આ વિસ્તારમાં 12 માર્ચ સુધી હિટવેવની અસર વરતાય શકે છે. સામાન્ય રીતે માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. પરંતુ, માર્ચના પહેલાં અઠવાડિયામાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. માર્ચમાં શહેરનું લઘુતમ તાપમાન જે 19 ડિગ્રીની આસપાસ રહેતું તેમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. શનિ-રવિવારથી જ અમદાવાદનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી વધુ રહી શકે છે.
