ગુજરાતમાં ગરમીનું વધ્યુ જોર, તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી

ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમીએ રાજ્યના અનેક જિલ્લાઓને લપેટમાં લીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી અને વડોદરામાં 42 ડિગ્રી તાપમાન રહ્યું. રાત્રે પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાતા લોકોને રાહત મળી રહી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી આગામી બે દિવસ સુધી આવા જ હવામાનની સ્થિતિ રહેશે.

રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાને ઉચ્ચ સ્તર નોંધાવ્યું છે. અમરેલીમાં 42.9 ડિગ્રી, કંડલામાં 42.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 40.8 ડિગ્રી, જ્યારે પોરબંદરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનો ગરમીનું કારણ બની રહ્યા છે. આ સાથે, કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળની ડમરીઓ સાથે તીવ્ર પવન ફૂંકાવાની આગાહી છે. આ પવનો ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર કરશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. લોકોને ગરમીથી બચવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.