અમદાવાદ: ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે. બેવડી ઋતુના અહેસાસ બાદ આખરે આગઝરતીની ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. શુક્રવારે 7 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે ભુજમાં 44.5 ડિગ્રી સાથે સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ બની રહ્યો હતો.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદમાં શુક્રવારે 41.3 ડિગ્રી સરેરાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી અમદાવામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી રવિવારથી બુધવાર એમ ચાર દિવસ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે. આ સાથે ગુજરાતમાં ભરમાં આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જે બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે શુક્રવારે ગાંધીનગરમાં 41 ડિગ્રી,ડીસામાં 42.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી,વડોદરામાં 39.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી,નલિયામાં 40.4 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી,પોરબંદરમાં 33.4 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી,કેશોદમાં 40.7 ડિગ્રી, મહુવામાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
