અમદાવાદ: આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગુજરાત પ્રાવાસે આવ્યા છે. તો બીજી બાજું ગુજરાતમાં મહત્વના તહેવારોની પણ ઉજવણી પણ થઈ રહી છે. જ્યાર તારીખ 16 ના ઈદ અને તારીખ 17ના રોજ ગણેશ વિસર્જનને લઈ પણ અમદાવાદમાં ધૂમધામ ચાલી રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકસા કાર્યોની ભેટ પણ આપી છે. PM મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે.
હાલ મોટેરાથી ગાંધીનગરના સેકટર-1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે. જ્યારે મહાત્મા મંદિર સુધીના રૂટ પર હાલ કામગીરી ચાલુ છે. જેના કારણે આ રૂટ પરની મેટ્રો આવનાર સમયમાં કામ પૂર્ણ થયા બાદ શરૂ થશે. જે લોકો અમદાવાદ શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનનો અનુભવ કરી ચૂક્યા છે તેમને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી માટે સમય ફાળવવો પડશે. કારણે કે આ રૂટ અમદાવાદ સિટીમાં ચાલી રહેલી મેટ્રો સર્વિસ કરતા થોડો અલગ છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો દર 10થી 12 મિનિટે દોડી રહી છે. જ્યારે મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી છે. એટલે કે બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર છે. અમદાવાદની મેટ્રો સવારે 6:20 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જ્યારે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો સવારે 7:20 થી શરૂ થશે અને સાંજે 7:20 સુધી કાર્યરત રહેશે. પરંતુ અમદાવાદ મેટ્રોની જેમ જ આવનાર દિવસોમાં આ રૂટને પણ ટ્રાફિક મળશે ત્યારે ઓછા સમયમાં અને મોડે સુધી ટ્રેન મળી શકે તેની સંભાવના છે.
