AI બેઝ ટેક્નોલોજીથી સજ્જ ગુજરાતની સૌથી મોટી RTOનું કામ પૂર્ણતાના આરે

RTO ઓફીસમાં કર્મચારીઓને થતી હાલકા થોડા સમય પછી દૂર થઈ જવાની છે. કેમ કે, સુભાસબ્રિજ ખાતે નવી RTO કચેરી બનીને તૈયાર થઈ રહી છે. જે કચેરીમાં હાલ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. અને હવે ઓપનિંગની રાહ જોવાઈ રહી છે. જે RTO શરૂ થતાની સાથે નવો આધુનિક AI બેઝડ ટેસ્ટ ટ્રેક પણ RTO અને લોકોને મળશે. તેના લીધે લોકોને પડતી હાલાકી દૂર થશે.

અમદાવાદને વધુ એક વિકાસની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદને થોડા જ સમયમાં ગુજરાતની સૌથી મોટી AI બેઝડ RTO કચેરી મળશે. છેલ્લા ઘણા વર્ષોથી RTOની જૂની કચેરી જર્જરિત હાલતમાં હતી જે કચેરીને તોડીને છેલ્લા ત્રણ વર્ષથી નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઓફિસનું કામ પૂર્ણ થવાને આરે છે, અને હવે ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. જે કચેરીમાં અરજદારોને લગતી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ ટેક્નોલોજી પર ધ્યાન આપીને કચેરી બનાવવામાં આવી રહી છે. આ નવી RTO કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી RTO કચેરી 40 કરોડના ખર્ચે બનાવી છે. જે કચેરી ત્રણ માળની છે. જેમાં 2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. વિવિધ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે. વિશાળ પાર્કિંગ સુવિધા પણ હશે. તેમજ RTO કચેરીમાં ટેસ્ટિંગમાં પડતી હાલાકી દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ટ્રેક પણ બનાવાશે. જે ટેસ્ટિંગ ટ્રેક AI બેઝડ ટેક્નોલોજી યુક્ત હશે. જેનાથી હાલ જે ટ્રેક 8 કેમેરા અને સેન્સરથી કામ કરે છે ત્યાં 15 કેમેરા અને AI સિસ્ટમ હશે. જે ટેક્નોલોજીથી અરજદારોનો સમય બચશે અને પાસ અને ફેલના રેશિયોમાં ફરક પડશે. સાથે જ તેમાં થતી ગેરરીતિ અટકશે તેવું પણ RTO અધિકારીનું માનવું છે.