ગાંધીનગર- રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા એનાયત થતાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિકમાં શ્રેષ્ઠ ફિલ્મ, અભિનેતા, સહાયક અભિનેતા સહિતના પારિતોષિક જાહેર કરવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના વિકાસ-પ્રોત્સાહન માટે ઘડેલી ચલચિત્ર નીતિ અનુસાર માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ 32 કેટેગરીને લક્ષમાં લઇને પારિતોષિક જાહેર કરી એનાયત કરવામાં આવે છે.
માહિતી ખાતા દ્વારા જાહેર કરાયેલ આ પારિતોષિકોમાં વર્ષ ર૦૧૫-૧૬ માં નિર્માણ પામેલી પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર ફિલ્મ શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન શ્રી વિજયગીરી બાવા, શ્રેષ્ઠ અભિનેતા મેહુલ સોલંકીને પારિતોષિકો એનાયત કરાયા હતા.
પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર ફિલ્મને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પારિતોષિક ગાંધીનગરના રહેવાસી એવા મૌલિક જગદીશ નાયકને મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં મૌલિક જગદીશ નાયકે અગાઉ બેયાર, રોમકોમ, વીટામીન શી અને લવની ભવાઇ જેવી ગુજરાતી ચલચિત્રોમાં અભિનય આપ્યો હતો. જેમાં સને ર૦૧૫માં રોમકોમ ફિલ્મમાં બેસ્ટ કોમેડીયનનો ટ્રાન્સમીડિયા એવોર્ડ પણ મળ્યો હતો.