અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાનું કોરોના વાઇરસને કારણે સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં અને તેમનું ઓક્સિજન લેવલ ઘટતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલાં 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવારાર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લાં 40 કરતાં પણ વધુ વર્ષ તેઓ ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા રહ્યા હતા. તેઓ વિધાનસભાની કરજણ બેઠક પરથી બે વાર ધારાસભ્યપદે ચૂંટાયા હતા. તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા કે જેમનું બે દિવસ પૂર્વે જ અવસાન થયું હતું. નરેશ કનોડિયાના નિધન અંગે રાજકીય ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા દુઃખ વ્યક્ત કર્યુ છે.
‘ભાગ કોરોના ભાગ, કોરોના ભાગ’
દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઈને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
નરેશ કનોડિયાનો પરિવાર
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ, 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થિબા સાથે લગ્ન કર્યા છે.
નરેશ કનોડિયાની ગુજરાતી સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થીવધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે ‘હિરણને કાંઠે’, ‘મેરુ માલણ’, ‘ઢોલામારુ’, ‘મોતી વેરાણા ચોકમાં’,’ પાલવડે બાંધી પ્રીત’, ‘પરદેશી મણિયારો’, ‘વણઝારી વાવ’, ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘જોડે રહેજો રાજ’, ‘પારસ પદમણી’, ‘કાળજાનો કટકો’, ‘બેની હું તો બાર વરસે આવિયો’, ‘વટ’, વચન ને વેર’ અને ‘લાડી લાખની સાયબો સવા લાખ’નો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.