મુંબઈઃ અભિનેત્રી પર ચાકૂથી હુમલો; હુમલાખોર ફરાર

મુંબઈઃ લગ્ન કરવાની ના પાડવા બદલ ટીવી સિરિયલોની અભિનેત્રી માલવી મલ્હોત્રાને ચાકૂ ભોંકવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. લગ્ન કરવાની માલવીએ ના પાડતાં એ શખ્સે તેને ચાકૂના ત્રણ વાર ઘા માર્યા હતા.

આરોપીનું નામ છે યોગેશ મહિપાલ સિંહ અને એ હુમલો કરીને ફરાર થઈ ગયો છે.

માલવીને અંધેરીની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં એ સારવાર હેઠળ છે અને ભયમુક્ત હોવાનું કહેવાય છે.

હુમલાખોરને તે આ પહેલાં બે વાર મળી હતી. પોતે નિર્માતા છે એવું ખોટું બોલીને એ માલવીને મળ્યો હતો. ત્યારબાદ એ પોતાની સાથે લગ્ન કરવા માલવીને દબાણ કરતો હતો. માલવીએ ઈનકાર કરી દીધા બાદ એણે તેને ચાકૂ માર્યું હતું.

આ ઘટના ગઈ કાલે સોમવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ અંધેરીના વર્સોવા વિસ્તારમાં બની હતી. એ વખતે માલવી એક કેફેમાંથી એનાં ઘર તરફ જતી હતી.

યોગેશ એની કારમાં હતો. એણે માલવીને રોકી હતી અને એણે તેની સાથે વાત કરવાનું શા માટે બંધ કરી દીધું છે એમ પૂછ્યું હતું. બંને વચ્ચે ત્યારે દલીલબાજી થઈ હતી અને તે પછી યોગેશે માલવીને પેટમાં ચાકૂ માર્યું હતું અને બંને હાથ ઉપર પણ ચાકૂ માર્યું હતું અને પછી ભાગી ગયો હતો.

માલવીને તરત જ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોલીસે હત્યાના પ્રયાસ સહિત ભારતીય ફોજદારી ધારાની અનેક કલમો હેઠળ હુમલાખોર સામે ફરિયાદ નોંધી છે અને તપાસ ચાલી રહી છે, એમ વર્સોવા પોલીસનું કહેવું છે.

માલવી ઉડાન ટીવી શોમાં તેની ભૂમિકા માટે જાણીતી છે. એણે અમુક હિન્દી અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

હુમલાખોર સાથે એને 2019માં ફેસબુક મારફત ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને જણ ગયા જાન્યુઆરીમાં મળ્યા હતા. પોતે એક નિર્માતા છે એવું યોગેશે કહ્યું હતું અને એક વિડિયો આલ્બમ માટે પોતાને સહયોગ આપવાનું એણે માલવીને કહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં એણે માલવીને લગ્નની ઓફર કરી હતી, પણ માલવીને ઈનકાર કરી દીધો હતો અને પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર એને બ્લોક પણ કરી દીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]