સવર્ણોને 35 યોજનાઓનો લાભ આપવાની તૈયારી

ગાંધીનગર– પાટનાગર ગાંધીનગરમાં આજે બિનઅનામત વર્ગ આયોગની કચેરીમાં જુદો ધમધમાટ જોવા મળ્યો હતો. જાણવા મળ્યાં પ્રમાણે આયોગ દ્વારા બિનઅનામત વર્ગને રાજ્ય સરકારની જુદીજુદી 35 જેટલી યોજનાઓનો લાભ આપવા ભલામણ કરવામાં આવનાર છે.જેવી રીતે એસસી એસટી વર્ગના લોકો શિક્ષણ માટે, વિદેશ જવા માટે સહિતની જુદી જુદી લોન સહાય મળે છે તે રીતે બિનઅનામત વર્ગના લોકોને પણ મળે તેવી ભલામણ પણ કરવામાં આવશે. સાથે જ બિનઅનામત જ્ઞાતિઓનો સર્વે કરવાની યોજના પણ છે. સમગ્ર પ્રક્રિયા આગામી ચારપાંચ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ સૂત્રોના આધારે જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત નોકરીમાં જે રીતે અનામત વર્ગને વયમર્યાદા સહિતની છૂટછાટો આપવામાં આવે છે તેમ છૂટછાટ આપવાની ભલામણ પણ કરવામાં આવનાર છે.

બિનઅનામત વર્ગના લોકોની નારાજગી દૂર કરવી સરકાર માટે આગામી સમયમાં મહત્ત્વનો મુદ્દો બનવાની સંભાવના જોતાં બહાર આવેલાં આ સમાચાર સરકાર તરફથી પાણી પહેલાં પાળ  બાંધવાની કોશિશરુપે જોવાઇ રહ્યાં છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી આવે તે પહેલાં જનતાની નારાજગીને હળવી કરવાનો સરકાર દ્વારા પ્રયત્ન થઇ રહ્યો છે.