નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ તેની જવાબી કાર્યવાહીમાં ભારતના સૈનિકો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં મોટી સંખ્યા આતંકીઓનો ખાત્મો કર્યો હતો. ફરી આજે ભારતના સૈનિકો દ્વારા પાકિસ્તાનનું એક જેટ વિમાન તોડી પાડ્યાં બાદ પાકિસ્તાનની બોર્ડર ગુજરાતની નજીક હોવાથી ગુજરાતમાં પણ સરહદી વિસ્તારોમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
યાત્રાધામ અંબાજી ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે અને આ મંદિર ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલું હોવાથી અંબાજીમાં પણ સુરક્ષા સધન કરવામાં આવી છે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર પોલીસ ચેક પોસ્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સમગ્ર સુરક્ષા ઉપર સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યાં છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોને તપાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થા જ્યાં સુધી ઉપલા અધિકારીઓનો બીજો આદેશ નહીં મળે નો ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે. પોલીસ કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કર્યો હોવાનું પોલીસ ઈન્સપેકટર કે.એસ.ચૌધરીએ જણાવ્યું છે.
સમગ્ર દેશમાં આપવામાં આવેલા એલર્ટને લઈને ગુજરાતની પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અંબાજીને અડીને આવેલી રાજસ્થાની સરહદમાં જાણે કોઈપણ જાતની ખબર જ ન હોય અને દેશમાં કોઈ ઘટના જ ન બની હોય તેવી બેદરકારીની સ્થિતિ જોવા મળી રહી છે.
રાજસ્થાની હદમાં આવેલી છાપરી ચેકપોસ્ટ સુરક્ષાકર્મીઓ વગર સૂમસામ જોવા મળી હતી અને બિન્દાસ વાહનોની અવરજવર થઈ રહી હતી. ત્યારે અહીંયા યક્ષ પ્રશ્ન એ છે કે આ સંવેદનશિલ સ્થિતીમાં રાજસ્થાનની સરકાર દ્વારા શા માટે ઢીલાશ રાખવામાં આવી રહી છે.
બે રાજ્યોની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટમાં સુરક્ષાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.
પરખ અગ્રવાલ-અંબાજી