સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના 14 ખેલાડીઓની પસંદગી

ગાંધીનગર-  દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતા સ્પેશ્યલ ઓલમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના ૧૪ ખેલાડીઓની પસંદગી  થઇ છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રધાન ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે પસંદગી પામનાર ૧૪ ખેલાડીઓને સફળતા પ્રાપ્ત કરીને ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

ઈશ્વર પટેલે કહ્યું કે, રાજ્યમાં રમત-ગમત પ્રવૃત્તિઓ વેગવાન બને અને રાજ્યનું યુવાધન વૈશ્વિક કક્ષાએ પોતાની ઓળખ ઉભી કરે તે માટે રાજ્યમાં વર્ષ ૨૦૧૦થી ખેલ મહાકુંભ યોજવાની શરૂઆત કરવામાં આવી હતી. તથા શારિરીક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય તેવા ખેલાડીઓને પણ અલગ અલગ ચાર જૂથમાં વહેંચીને તેઓને પણ કૌશલ્ય બતાવવાની તક પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૩થી દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કર્યુ હતું જેના પરિણામે આ સફળતા ગુજરાતના ખેલાડીઓને મળી છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવપ્રદ છે.

દિવ્યાંગ રમતવીરો માટે યોજાતો સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯ (માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે) આગામી ૧૪ થી ૨૨ માર્ચ ૨૦૧૯ દરમિયાન અબુધાબી ખાતે યોજાશે. જેમાં ૧૯૨ દેશના ૭૫૦૦ થી વધારે એથલેટ્સ ભાગ લેનાર છે જે પૈકી ભારતની ટીમમાં ગુજરાતના ૧૪ ખેલાડીઓ ભારતનું નેતૃત્વ કરશે. દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશિયલ મહાકુંભમાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ, માનસિક ક્ષતિગ્રસ્ત અને શારિરીક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ ભાગ લઇ શક્તા હોય છે.

ઉલ્લેખનીય છે કે, લોસ એન્જલસ ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક સમર ગેમ્સ ૨૦૧૫માં ગુજરાતે ૨૫ મેડલ્સ મેળવ્યાં હતાં, જેમાં ૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર, ૧૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તેમજ પેરા એશિયન ગેમ્સ ૨૦૧૮માં પારુલ પરમારે બેડમીન્ટન સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમને રૂા.૩૦ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર, ભાવીના પટેલ અને સોનલ પટેલે ટેબલ ટેનિસ વુમન ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તે બંનેને પણ રૂા.૧૦-૧૦ લાખના ખેલ પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]