5 દેશોના વિદેશીઓએ માણી જીટીયુની સલામત મહેમાનગતિ

અમદાવાદ– ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પાંચ દેશોના સાત વિદ્યાર્થીઓએ અમદાવાદની પરોણાગત માણી હતી. 
જીટીયુના વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે દર વર્ષે 400થી વધુ વિદ્યાર્થીઓને જીટીયુ સ્ટુડન્ટ એક્સચેન્જ યોજનાનો લાભ મળે છે.  ગત સપ્તાહે પોલેન્ડ, રશિયા, તૂર્કી અને ઉઝબેકિસ્તાનના એકએક તથા અફઘાનિસ્તાનના બે વિદ્યાર્થીઓએ આ એક્સચેન્જ યોજનાનો લાભ લીધો હતો. આ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં એમબીએ કરી રહ્યાં છે. તેઓએ બે સપ્તાહ જીટીયુમાં રહીને અભ્યાસ કર્યો હતો. આ યોજના અંતર્ગત પરદેશના વિદ્યાર્થીઓને ભારતીય અભ્યાસ તથા સંસ્કૃતિ વિશે જાણકારી મળે અને જીટીયુના વિદ્યાર્થીઓને વિદેશ વિશે જાણકારી મેળવવા જવાની તક મળે એવો તેનો હેતુ છે.
પાંચ દેશોના સાત વિદ્યાર્થીઓએ ક્લાસમાં સક્રિય રસ લીધા પછી એ વિદ્યાર્થીઓને ગાંધીનગર નજીક ઈન્ડસ્ટ્રી મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. તેઓએ સ્માર્ટ વિલેજ પુંસરી કેવી રીતે વિકસાવવામાં આવ્યું તેમાં સવિશેષ ઉત્સુકતા દર્શાવી હતી. જીટીયુના વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો અંગે વિચારવિમર્શ કર્યો હતો. જેમાં તેઓએ ગુજરાતમાં લઘુ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો (એમએસએમઈ)ની સ્થિતિ અને અન્ય દેશોમાં એમએસએમઈના વિકાસની સરખામણી સહિતના અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતાં.
તેઓને હેરિટેજ શહેર અમદાવાદના ઐતિહાસિક અને પર્યટનસ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. ખાસ કરીને સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતને તેઓએ યાદગાર અનુભવ તરીકે ગણાવ્યો હતો. તેઓએ હેરિટેજ વૉક અને ગુજરાતી સમાજના ભવ્ય સાંસ્કૃતિક વારસા વિશે જાણકારી મેળવવામાં ખાસ રસ દર્શાવ્યો હતો. તેઓએ ગુજરાતી વાનગીઓની મજા પણ માણી હતી. તેઓએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે જીટીયુ, ગુજરાત અને ભારત અમારા માટે અવિસ્મરણીય બની રહેશે.