અમદાવાદ- તાજેતરમાં જ ગીરમાં થયેલા સિંહોના મોતને કારણે ફરી એક વખત ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવાની માંગણી જોર પકડી રહી છે. તે જોતા રાજ્ય સરકારે હવે ગુજરાતમાં બે નવા લાયન સફારી પાર્ક તૈયાર કરવાની યોજના બનાવી છે.રાજયમાં આગામી સમયમાં વધુ બે નવા સફારી પાર્ક બનવા જઈ રહ્યાં છે. જેમાં ગીરના જંગલની જેમ હવે આ નવા સફારી પાર્કમાં પણ સિંહ દર્શન થઈ શકશે. અમદાવાદ અને રાજપીપળામાં બે નવા સફારી પાર્ક બનાવાશે. અમરેલીના બરડા ગામમાં સિંહોના વસવાટ માટે માનવ વસ્તીનું સ્થળાંતર કરાશે. સિંહોના મોત અંગે સરકાર ગંભીર છે. એમ વાપી ખાતે યોજાયેલા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીમાં રાજયના આદિજાતિ અને વનપ્રધાન રમણલાલ પાટકરે કહ્યું હતું.
વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક રાજપીપળા ખાતે અને અમદાવાદ ખાતે નવા લાયન સફારી પાર્ક બનાવાશે. ઇનફાઇટના વધતા કિસ્સા નિવારવા સિંહોને રાજપીપળા અને અમદાવાદમાં સ્થાયી કરવાની વિચારણા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી સિંહોનું પૂર્વ દિશામાં આવેલા બરડા વિસ્તાર તરફ સ્થળાંતર વધ્યું હોવાથી તેઓને ત્યાં સ્થાયી કરવાનું પણ આયોજન છે. જે માટે બરડામાં માનવ વસ્તીને અન્યત્ર ખસેડવા પણ વિચારણા ચાલી રહી છે. અમરેલીના બરડા વિસ્તારમાં સિંહોને સ્થળાંતર કરવા આવે તેવું સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. 600 સિંહોના વસવાટ માટે નવા એરિયા ડેવલોપ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અભિમાન એવા 23 જેટલા એશિયાટીક સિંહોના થયેલા ટપોટપ મોતને પગલે રાજ્ય સરકાર ભીંસમાં આવી ગઈ છે. 23 સિંહો પૈકી 11 સિંહોના મોત કેનાઈન ડીસ્ટેમ્પર વાયરસના કારણે થયાં હોવાનું બહાર આવ્યું છે. વનપ્રધાને જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં સિંહોની સંખ્યા 513 હતી જે હાલમાં ૬૦૦ના આંકને પાર કરી ગઇ છે. જેથી તેમના વસવાટ માટે સરકારે અન્ય વિકલ્પ શોધ્યા છે.