અમદાવાદઃ ગુજરાતના છ મોટા શહેર – અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આજે મતગણતરીનો દિવસ છે. તમામ છ મહાનગરપાલિકાઓની 575 બેઠકો માટે ગઈ 21 ફેબ્રુઆરીએ થયેલા મતદાન બાદ આજે મતગણતરી સાથે પરિણામ જાહેર કરાશે. કુલ 2,276 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ આજે નક્કી થશે. જેમાં ભાજપના 577, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના 566, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષોના 353 અને 228 અપક્ષ ઉમેદવારો છે. તમામ છ શહેરોમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું હતું. અમદાવાદમાં સૌથી ઓછું થયું હતું – 42.5 ટકા. જ્યારે જામનગરમાં સૌથી વધારે થયું હતું – 53.4 ટકા. રાજકોટમાં 50.7 ટકા, ભાવનગરમાં 49.5 ટકા, વડોદરામાં 47.8 ટકા અને સુરતમાં 47.1 ટકા મતદાન થયું હતું. આ તમામ મહાપાલિકાઓમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે.
તમામ છ શહેરોની મહાનગરપાલિકાઓના 144 વોર્ડમાં મતદાન યોજાયું હતું. લોકો રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર પણ મતગણતરીની સ્થિતિ અને પરિણામની વિગત જાણી શકશે. ગુજરાતની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન છે અને તેનું પરિણામ બે માર્ચે જાહેર કરાશે.