ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિર્ણય કર્યો છે કે હવેથી કોઈપણ ધારાસભ્ય સપ્તાહમાં માત્ર ત્રણ જ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે. જો કે અધ્યક્ષના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે સરકાર વિપક્ષના સવાલો ડરે છે, અને જવાબ આપી શકતી નથી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે તેઓ અધ્યક્ષને મળીને આ મુદ્દે પુનઃવિચાર કરવા રજૂઆત કરશે.ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી ધારાસભ્યો ગમે તેટલા પ્રશ્નો પૂછી શકતા હતા. પણ હવેથી ધારાસભ્ય સપ્તાહમાં 3 જ સવાલ પુછી શકશે. ગત વિધાનસભાની બજેટ સેશનમાં 10 હજાર કરતાં વધુ પ્રશ્નો પૂછાયા હતા. અધ્યક્ષનું કહેવું છે કે અર્થ વગરના પ્રશ્નો અટકે અને યોગ્ય પ્રશ્નોની વિધાનસભામાં વધુ સારી રીતે ચર્ચા થાય. પણ કોંગ્રેસે અધ્યક્ષનો નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે.
વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય
- હવેથી કોઈપણ ધારાસભ્ય અઠવાડિયામાં 3 જ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે
- સત્રનું સમન્સ ઇસ્યુ થયાની તારીખથી સત્ર સમાપ્તિ સુધીના સમય દરમિયાન ધારાસભ્ય અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે નહીં
- અર્થ વગરના પ્રશ્નોને અટકાવવા, અને વિભાગ ઉપર ભારણ વધતું હોવાનું અધ્યક્ષની સ્પષ્ટતા
- આ વખતે 10 હજાર કરતાં વધુ પૂછાયા હતાં
- પ્રજાના યોગ્ય પ્રશ્નોની ચર્ચા થાય તે માટે લેવાયો નિર્ણય
- અત્યાર સુધી કોઈપણ ધારાસભ્ય ગમે તેટલા અતારાંકિત પ્રશ્નો પૂછી શકતા હતાં
- દૈનિક ત્રણ તારાંકિત પ્રશ્નો પૂછી શકાતા હતાં
- કોઈ કારણ વગર અચાનક વિધાનસભા અધ્યક્ષના નવા ફરમાનથી ધારાસભ્યો પણ મૂંઝવણમાં મૂકાયાં
- અધ્યક્ષના નિર્ણય સામેં કૉંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ