અમદાવાદ – ગુજરાતમાં ફરી અશાંતિ ફેલાઈ છે. એક માસૂમ બાળકી પર કથિત બળાત્કારના બનાવને પગલે ટોળા દ્વારા હુમલા થતાં ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિઓ (ઉત્તર ભારતીય લોકો) મોટી સંખ્યામાં ગુજરાત છોડીને જતાં રહ્યાં છે અથવા જઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, બિહારથી આવેલાં 50 હજાર જેટલા લોકો ગુજરાત છોડીને જતા રહ્યા હોવાનો અહેવાલ છે ત્યારે ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પરપ્રાંતિઓને અપીલ કરી છે કે તેઓ ગુજરાતમાં પાછા આવે, કારણ કે હુમલાના સંબંધમાં અત્યાર સુધીમાં 450 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
14 મહિનાની એક બાળકી પર એક પરપ્રાંતિય મજૂરે કથિતપણે બળાત્કાર કર્યા બાદ ગુજરાતના પાંચ જિલ્લા, ખાસ કરીને મહેસાણા અને સાબરકાંઠામાં ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા અને વર્ષોથી અહીં રહેતા લોકો પર રોષે ભરાયેલા કેટલાક સ્થાનિક લોકો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. જાન પર જોખમ હોવાના ડરથી હજારો ઉત્તર ભારતીય લોકો પરિવારસહ એમના વતન ભાગી ગયા હતા.
જાડેજાએ કહ્યું છે કે દેશના અન્ય રાજ્યોમાંથી નોકરી-રોજગાર માટે જે લોકો ગુજરાતમાં આવ્યા છે એમને સલામતી પૂરી પાડવાની અમારી જવાબદારી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરાબર કરવા માટે અમે અત્યંત ગંભીર છીએ. અમે આ કેસમાં 35 એફઆઈઆર નોંધી છે.
જાડેજાએ એમ પણ કહ્યું કે પરપ્રાંતિય લોકો પર હુમલાઓના સંબંધમાં 450થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા છે. તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ 28 સપ્ટેંબરે સાબરકાંઠા જિલ્લામાં એક બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. એ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગાંધીનગર, અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી હતી. એમાં પરપ્રાંતિય મજૂર-કામદારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના એક ભાગમાં પણ એવા હુમલા થયા હતા.
અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત પોલીસે સલામતીની વ્યવસ્થા વધારે કડક બનાવી છે.
દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફોન કર્યો હતો અને એમના રાજ્યના લોકોને ગુજરાતમાં ટાર્ગેટ બનાવનારાઓને શિક્ષા કરવાની એમને વિનંતી કરી હતી.