ગાંધીનગરઃ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે ડે.સીએમએ મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રજામાં અગાઉ પણ કર્ણાવતી નામ રાખવાની લાગણી હતી. પ્રજાના મનમાં કર્ણાવતી નામ વસેલુ જ છે તેવું નીતિન પટેલે જણાવ્યું હતુ.નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવા માટે તૈયાર છે, જો તે કાનૂની અવરોધોને પાર કરે અને જરૂરી સમર્થન મેળવે. પટેલે કહ્યું, “લોકોમાં હજુ પણ એક લાગણી છે કે અમદાવાદનું નામ કર્ણવતી કરવામાં આવે. જો અમને કાયદાકીય અવરોધો દૂર કરવા માટે આવશ્યક ટેકો મળે, તો અમે મહાનગરનું નામ બદલવા માટે હંમેશા તૈયાર છીએ.
રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશમાં વિવાદ છેડાયેલો છે. તો રામનગરી આયોધ્યા દિવડાઓથી સજાવવામાં આવી હતી. જ્યારે આ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ CM યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કરી છે.
વર્ષો બાદ યુપીમાં બહુમતીથી ચૂંટાયેલી ભાજપ સરકારે એક ઝાટકે ફૈજાબાદનું નામ અયોધ્યા કર્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દીધુ છે. પરંતુ ગુજરાતમાં બે દશકથી વધુ સમયથી રાજ કરતી ભાજપની સરકારે હજુ અમદાવાદનું નામ કર્ણાવતી નથી કરી શકી. ફૈઝાબાદનું અયોધ્યા કરતા ફરી એકવાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ઉઠી છે.