જૂનાં વાહનો ફરતાં અટકાવવા કાયદો લાવશે સરકાર, 1 લાખના દંડની જોગવાઇ

ગાંધીનગર- ૧૪મી વિધાનસભાના પ્રથમ જ દિવસે વિધાનસભા ગૃહમાં ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ વિધેયક – ૨૦૧૮ વિના વિરોધે પસાર થયું હતું. આ વિધેયકને રજૂ કરતા વાહનવ્યવહારપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અનુસાર માર્ગ સુરક્ષા માટે ખાસ પગલાં ભરવા તેમજ અલગથી સત્તામંડળની રચના માટે જણાવ્યુ હતું.  આ સૂચનોનું પાલન કરવા માટે રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ વટહુકમ,૨૦૧૭ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ વટહુકમના સ્થાને હવે વિધેયક અમલમાં આવશે.

કેન્દ્ર સરકારના માર્ગ મકાન મંત્રાલય દ્વારા બહાર પાડેલ અહેવાલ મુજબ દેશમાં ગત વર્ષે ૪.૮૦ લાખ અકસ્માત થયા છે. જેમાં ૧.૫૦ લાખ લોકોના મોત થયા છે. તેમાં યુવાધન નો વધુ સમાવેશ થાય છે. યુવાઓને બચાવવા માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ૨.૩૦ કરોડથી વધુ વાહનો નોંધાયા છે. જેમાં ૧.૨૯ કરોડ જૂના અને ૧ કરોડ નવા વાહન નોંધાયા છે. જૂના વાહનો કે જે, વધુ અકસ્માત કરે છે તે વાહનો માર્ગ પર ફરતા અટકાવવા માટેની હોઇ કાયદાકીય વ્યવસ્થા નથી. આ માટે આ વિધેયક મહત્વનું પુરવાર થશે.

ફળદુએ કહ્યું કે વાહનોમાં જી.પી.- એસ સીસ્ટમ લગાવવાનો પ્રોજે્કટ પણ આઠ મહાનગરોમાં કાર્યાન્વીત કર્યો છે. જેના પરિણામે આગામી સમયમાં અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રોડ સેફ્ટીના નિયમોનું પાલન ન થાય તો તેવા કિસ્સાઓમાં રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે. વર્ષ-૨૦૧૬માં ૨૧,૮૫૯ માર્ગ અકસ્માત સામે લોકજાગૃતિના પરિણામે વર્ષ-૨૦૧૭માં ૧૯,૦૮૧ અકસા્માતો નોંધાયા છે. જે વાહન અકસ્મતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

સુપ્રીમ કોર્ટે માર્ગ સુરક્ષા અંગેની સમિતીની રચના કરી છે. આ સમિતીના સૂચનોના પાલન માટે રાજ્ય માર્ગ સુરક્ષા નીતિનો ખરા અર્થ અને સ્વરૂપમાં અસરકારક અમલ કરવા માટે, એક માર્ગ સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવાના ઉદે્શથી  માર્ગ સુરક્ષા સત્તામંડળની રચના થશે. જે માર્ગ સુરક્ષા માટેની મુખ્ય એજન્સી રહેશે. આ વિધેયક દ્વારા રાજ્યમાં માર્ગ સુરક્ષા કાર્યક્રમોના અમલ માટે સુરક્ષા સત્તામંડળની રચના કરવા માટેની અને માર્ગ સુરક્ષા માટેની મુખ્ય એજન્સી તરીકે કાર્ય કરવા માટેની, માર્ગ સુરક્ષા ફંડની સ્થાપના માટેની અને તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવામાં આવી છે.

વાહનવ્યવહારપ્રધાન આર.સી.ફળદુએ માર્ગ સલામતી સત્તા મંડળ સુધારા વિધેયક રજૂ કરતાં કહ્યું કે, દેશ અને દુનિયામાં જે માર્ગ અકસ્માતો થાય છે તે સૌના માટે ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે પણ માર્ગ સલામતી માટે રોડ સેફ્ટી સત્તામંડળની રચના કરવા માટે જણાવ્યુ છે ત્યારે ગુજરાતે આ પહેલ કરી છે તે આવકાર્ય છે. તેમણે કહ્યુ કે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતીત છે. આ માટે યુવાઓ-નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે પણ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. જેના પરિણામે વર્ષ-૨૦૨૦ સુધીમાં ૫૦% અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવો નિર્ધાર છે.

 

આ વિધેયક વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર થયું હતું.