સ્વર્ણિમ સંકુલમાં ખળભળાટઃ વર્ગ-1-2ના કર્મચારીઓના પગાર રોકાયાં

ગાંધીનગર: આવક સામે જાવક જોખીને ટેક્સવાળા સમજી લે છે કે કેમનું છે, તો સરકારે પણ અપ્રમાણસર સંપત્તિના કોયડાને ઉકેલવા આવો જ કંઇક રસ્તો અપનાવ્યો છે. વર્ગ-1 અને વર્ગ-2ના હાઇ પ્રોફાઇલ સરકારી કર્મચારીના લગભગ 1000 કરતાં વધુ કર્મચારીઓનો સરકાર મિલકતની માહિતી ન આપવામાં આવતાં સાચે જ અટકાવી દેવાયો છે.ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે, કારણ કે તેઓએ પોતાની સ્થાવર મિલકતની વિગત સરકારને આપી ન હતી. નિયમ પ્રમાણે દર વર્ષે રાજ્ય સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓેએ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં તેમની મિલકતની વિગતો જાહેર કરવાની હોય છે. આ પ્રક્રિયા સમયાંતરે થતી રહે છે પણ આવું પગલું પહેલીવાર લેવાયું છે.

સ્થાવર મિલકત જાહેર ન કરનાર કર્મચારીઓની એપ્રિલ અને મે મહિનાનો પગાર સરકાર દ્વારા રોકી રાખવામાં આવશે.  તેમ જ કર્મચારીઓ દ્વારા શરતોનું પાલન કરવામાં આવ્યા બાદ જ પગાર આપવામાં આવશે.

ગુજરાત સરકારે સ્થાવર મિલકત દર્શાવવા ક્લાસ વન અને ટુના અધિકારીઓને આદેશ આપ્યો છે તેમાં વિશેષરુપે મહેસૂલ, શિક્ષણ અને પોલીસ વિભાગના સૌથી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ ઘટનાથી સ્વર્ણિમ સંકુલની કેબિનોમાં ખળભળાટ મચી ગયો છે. જોકે મુખ્ય સચીવ જે એન સિંઘ આશ્વાસન આપ્યું હતું કે જે અધિકારીઓ એપ્રિલમાં તેમની મિલકતો જાહેર કરી દેશે તેમને મેના પગારની સાથે રોકાયેલો પગાર પણ મળી જશે.