સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર સામે ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન સમયે મહિલા દર્દીના પેટમાં કાતર જ ભૂલી જવાના કિસ્સામાં શાહીબાગ પોલીસે ત્રણ ડોક્ટરોની વિરુદ્ધમાં બેદરકારીથી મોત નીપજાવવાનો ગુનો દાખલ કર્યો છે. વર્ષ ર૦૧રમાં મહિલાના પેટમાંની ચાર કિલોની ગાંઠનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરો મહિલાના પેટમાં જ કાતર ભૂલી ગયા હતા.

પાંચ વર્ષ સુધી મહિલાના પેટમાં કાતર રહી હતી. ત્યાર બાદ અચાનક તેમને પેટમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં એક્સ-રે રિપોર્ટમાં પેટમાં કાતર હોવાનું સામે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરીથી પેટની સર્જરી કરીને કાતર બહાર કાઢી હતી પરંતુ મહિલાનું મોત થયું હતું.

મહિલાના મોત બાદ હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. શાહીબાગ પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને જીવીબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. પટેલે આ મામલે જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલના ત્રણ નિષ્ણાત ડોક્ટરની ક‌િમટીએ સમગ્ર કેસમાં તપાસ કર્યા બાદ ડો. હાર્દિક બિપિનચંદ્ર ભટ્ટ, ડો.સલીલ પાટીલ તથા ડો. પ્રેરક પટેલે ગંભીર બેદરકારી દાખવી હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો હતો. સિવિલે આપેલા રિપોર્ટના આધારે ત્રણ ડોક્ટર વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલ ત્રણેય ડોક્ટરની ધરપકડ કરવાની બાકી છે.