સિંહના બદલામાં મળશે હિમાલયન રીંછ અને ઝીબ્રા સહિત અનેક વન્યજીવ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મહત્વનું છે કે, દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે.

મુખ્યપ્રધાને આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રેની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોનની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્યપ્રાણીઓ આપશે.

એ જ રીતે રાજકોટના જિયોલોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા એમ.સી જિયોલોજિકલ પાર્કને સિંહની એક જોડી એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અપાશે. પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયોલોજિકલ પાર્કને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુન એક જોડી, રોઝ રીંગ પેરાકીટ ત્રણ જોડી, કોમ્બ ડક બે જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, એલેઝાન્ડ્રીન પેરાકીટની બે જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]